
- પિચ ખરાબ નહોતી અને બંને ટેસ્ટ મેચોના વેન્યૂને માટે કોઈ જ ડિમેરિટ પોઈન્ટ નહીં આપવામાં આવે : આઇસીસી
નવીદિલ્હી,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ મેચોની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ઘરઆંગણે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે અને હવે અંતિમ બંને ટેસ્ટ મેચ આગામી મહિને રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં અને બીજી ટેસ્ટ મેચ દિલ્લીમાં રમાઈ હતી. બંને ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ ઓસ્ટ્રેલિયાને પરાજયનુ પરીણામ દેખાડ્યુ હતુ. બંને મેચોમાં ભારતીય સ્પિનરોએ પોતાનો દમ દેખાડ્યો હતો. શરુઆતની બંને ટેસ્ટમાં હાર બાદ ઓસ્ટ્રેલિયન મીડિયા અને પૂર્વ ક્રિકેટરોએ ભારતીય પિચો પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે હવે આઇસીસી દ્વારા પિચને લઈ રેટિંગ સામે આવ્યા છે. જે રેટિંગ સવાલ ઉઠાવનારાઓ માટે જવાબરુપ છે.
જે પિચો પર ઓસ્ટ્રેલિયાના બેટરો રમી શક્તા નહોતા, ત્યાં જ ભારતીય ખેલાડીઓએ રન નિકાળ્યા હતા. નિચલા ક્રમે આવેલા અક્ષર પટેલે પણ રન નિકાળ્યા હતા. આમ છતાં ક્રિઝ પર ટકી નહી શક્તા ઓસ્ટ્રેલિયાનો માટે પિચને માથે હારના ઠીકરા ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હવે આ વાતને લઈને પણ સ્પષ્ટ થઈ ચુક્યુ છે. જે આઇસીસીના રેટિંગ અપડેટે સ્પષ્ટ કર્યુ છે.
બંને મેચોમાં આઇસીસીના રેફરી રહેલા એંન્ડી પાયક્રોટે શરુઆતની બંને ટેસ્ટ માટે રેટિંગ આપ્યા છે. નાગપુર અને દિલ્લી બંને ટેસ્ટ મેચોની પિચો માટે રેફરીએ ‘સરેરાશ’ રેટિંગ દર્શાવ્યા છે. રેફરીએ દર્શાવેલા રેટિગનુસાર મેચના માટેની પિચ ખરાબ નહોતી અને બંને ટેસ્ટ મેચોના વેન્યૂને માટે કોઈ જ ડિમેરિટ પોઈન્ટ નહીં આપવામાં આવે.
આ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયા અને દિગ્ગજોએ કાગારોળ જાણે મચાવી મુકી હતી. બંને ટેસ્ટ મેચમાં વહેલા પરીણામ આવવાને લઈ પિચોને જવાબદાર માનવા માટે સવાલો કરવામાં આવી રહ્યા હતા. જોકે સ્પિનરોને માટે પિચો મદદરુપ નિવડી હતી. આ દરમિયાન ઝડપી બોલર શમીએ પણ વિકેટો નિકાળી હતી. તો વળી નિચલા ક્રમેથી પણ રન નિકળી રહ્યા હતા. જે બંને ટેસ્ટમાં જોવા મળ્યુ હતુ.
આઇસીસી દ્વારા પિચોના માટે રેટિંગ સ્તર નિશ્ર્ચિત છે. જેમાં ૬ સ્તર નિશ્ર્ચિત કરવામાં આવેલા છે. જેમાં પિચને વેરી ગુડ, ગુડ, સેરાશ, સરેરાશ કરતા ઓછી, ખરાબ અને અનફિટ પ્રકારના રેટિંગ આપવામાં આવે છે. પિચ અને આઉટ ફિલ્ડ સહિતની બાબતો સાથે દરેક મેચના અંતે આઇસીસી દ્વારા રેટિંગ આપવામાં આવે છે. જે ટેસ્ટ ઉપરાંત વનડે અને ટી૨૦ ફોર્મેટમાં પણ આપવામાં આવે છે.
અનફિટ રેટિંગમાં ૫ અને ખરાબ રેટિંગમાં ૨ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવતા હોય છે. આ ડિમેરિટ પોઈન્ટ પાંચ વર્ષ માટે અસર કરતા હોચ છે, એટલે કે જો કોઈ સ્થળ આ દરમિયાન ૫ કે તેથી વધારે ડિમેરિટ પોઈન્ટ મેળવે છે તો તે સ્થળ પર ૧ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનુ આયોજન કરવાથી રોક લગાવી દેવામાં આવે છે.