
નવીદિલ્હી,
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન ૩૯ બેઠકો પર આગળ છે. ભાજપ ગઠબંધનની સ્પષ્ટ બહુમતી સાથે અહીં સરકાર રચાઈ શકે તેમ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે નાગાલેન્ડમાં પહેલીવાર ૨ મહિલાઓ ચૂંટણી જીતી છે. દીમાપુર બેઠક પર એનડીપીપીના હેખની જાખલુએ જીતી હતી અને એનડીપીપીના સલ્હૌતુઓનુઓ પશ્ર્ચિમી અંગામી બેઠક પર જીતીને વિજેતા બન્યા છે.
તમને જણાવી દઈએ કે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યાના ૬૦ વર્ષમાં અત્યાર સુધી અહીંથી કોઈ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ નથી. આ બાબત નાગાલેન્ડ માટે પણ આશ્ર્ચર્યજનક છે કારણ કે અહીં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે. અહીં ૬.૫૨ લાખ પુરૂષો સામે ૬.૫૫ લાખ મહિલા મતદારો છે.
નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને રાજ્યની ૫૯ બેઠકો માટે આજે મતગણતરી ચાલી રહી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર કાજેતો કિનીમી અહીં અકુલુટો બેઠક પરથી બિનહરીફ જીત્યા હતા, તેથી અહીં ૬૦માંથી માત્ર ૫૯ બેઠકો પર જ મતદાન થયું હતું.
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૮૩ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી માત્ર ૪ મહિલા ઉમેદવારો છે. દીમાપુર બેઠક પરથી એનડીપીપીના હેખની જાખલુ, પશ્ર્ચિમ અંગામી બેઠક પરથી એનડીપીપીના સલ્હૌતુઓનુઓ, ટેનિંગ બેઠક પરથી કોંગ્રેસની રોઝી થોમ્પસન અને અટોઇજુ બેઠક પરથી ભાજપની કાહુલી સેમા આ વખતે મેદાનમાં હતા. એવું નથી કે નાગાલેન્ડમાં માત્ર વિધાનસભા ચૂંટણીમાં જ મહિલા પ્રતિનિધિઓની કમી છે, પરંતુ ૧૯૭૭થી અત્યાર સુધી માત્ર ૨ મહિલા સાંસદો છે.