નાગા ચૈતન્ય અને પૂજા હેગડેની રોમેન્ટિક જોડી ડિરેક્ટર કાર્તિક દાંડુની આગામી ફિલ્મમાં જોવા મળશે

મુંબઇ,નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની જોડી ડિરેક્ટર ચંદુ મોંડેતીની તેલુગુ ફિલ્મ ’થાંડેલ’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. ફિલ્મ ’થાંદેલ’નું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે નાગા ચૈતન્યની વધુ એક ફિલ્મ વિશે સમાચાર સામે આવ્યા છે કે તે ટૂંક સમયમાં ડિરેક્ટર કાર્તિક દાંડુની રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્યએ ડિરેક્ટર કાર્તિક દાંડુ સાથે બીજી ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. આ સંપૂર્ણપણે રોમેન્ટિક ફિલ્મ હશે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ આગામી ફિલ્મ માટે વધુ કલાકારો માટે વાતચીત ચાલી રહી છે. શક્ય છે કે આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૪માં શરૂ થાય. જો કે આ પ્રોજેક્ટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ માટેનું ભંડોળ શ્રી વેંકટેશ્ર્વર સિને ચિત્ર દ્વારા એકત્ર કરવામાં આવશે.

અક્કીનેની નાગા ચૈતન્ય એક ભારતીય ફિલ્મ અભિનેતા છે, જે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં તેમની અભિનય ભૂમિકાઓ માટે જાણીતા છે. અભિનેતા અક્કીનેની નાગા ચૈતન્ય દક્ષિણના અભિનેતા નાગાર્જુનના પુત્ર છે. નાગા ચૈતન્યએ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ જોશથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ’યે માયા ચેસાવે’થી તેને સફળતા મળી હતી. આ ફિલ્મ ગૌતમ વાસુદેવ મેનન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટર મેલનો સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર, સાઈ પલ્લવી ફિલ્મ ’રામાયણ’માં માતા સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના સેટ પરથી રણબીર કપૂર અને સાઈ પલ્લવીની તસવીરો વાયરલ થઈ હતી. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સેટ પરથી ઘણી તસવીરો પણ સામે આવી છે, પરંતુ હજુ સુધી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.