ગોધરા,ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં વર્ષ 2015 થી 2020 ના સમયગાળામાં સરકારના ઉમદા હેતુના વિકાસના કામો ન કરીને બારોબાર નાણાં ઓળવી લેવાના ગુન્હામાં આરોપી નદીસર ગ્રામ પંચાયતના સરપંચની આગોતરા જામીન અરજી ગોધરા કોર્ટે ડીસમીસ કરી હતી.
સમગ્ર કેસની હકીકત એવી છે કે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામની ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2015 થી 2020ના સમયગાળા દરમ્યાન નામદાર સરકારના દ્વારા વિકાસ યોજના અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટના કામો નહીં કરીને બારોબાર લાખો રૂપિયાની ઉચાપત કરવાનું કૌભાંડ બહાર આવતા કાંકણપુર પોલીસ મથકે 12 જેટલા જવાબદારો સામે ગુનો નોંધાયો હતો. જેથી ફરીયાદમાં જણાવેલ આરોપીઓ પૈકી રેખાબેન વિજયકુમાર માછી, સરપંચ નદીસર ગ્રામ પંચાયતનાઓએ તેઓના એડવોકેટ મારફતે પંચમહાલ જિલ્લાના સ્પેશયલ જજ એ.સી.બી અને ઇન્ચાર્જ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કે.આર.રબારીની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજીના કામે તા.03/05/2023 ના રોજ તપાસ કરનાર અધિકારી દ્વારા વિગતવારનું સોગંદનામું અને જરૂરી તપાસના કાગળો રજુ કરતાં અને સરકાર તર્ફે પંચમહાલ જિલ્લાના સરકારી વકીલ રાકેશ ઠાકોર દ્વારા વિગતવારની સચોટ દલીલો કરતાં આરોપીની આગોતરા જામીન અરજી ડીસમીસ કરવામાં આવી હતી.