નદીસર, પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નદીસર પંથકમાં આવેલા પાનઇ કોતર તેમજ મહી નદી અને સરકારી ગૌચર તેમજ નર્મદા પુન: વસવાટ એજન્સી દ્વારા વિસ્થાપિતોને ફાળવાયેલી જમીનમાં છેલ્લા કેટલાક સમય થી કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રેતી અને મોરમનું ખનન થઈ રહ્યું છે.
ગોધરા તાલુકાના નદીસર પંથકના પાનઈ કોતર તેમજ નવા નદીસર પાસે આવેલી ગૌચર,સરકારી પડતર તેમજ નર્મદા ડેમ અસરગ્રસ્તોને ખેતી માટે ફળવાયેલ જમીનોમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે જે.સી.બી.લોડર મશીનો અને ટ્રેકટરો મૂકીને રેતી તેમજ મોરમની ખનન થઈ રહ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ સદર વિસ્તારમાં રાત દિવસ ચાલતા ખનનમાં આ તરફ ના જાગૃત નાગરિકો એ થોડા દિવસ પહેલાં ખાણ ખનીજ વિભાગ ગોધરાને લેખિત રજૂઆત પણ કરેલ છે. ત્યારે આખા જીલ્લામાં કડક કાર્યવાહી કરવાની છાપ ધરાવતું ખાણ ખનીજ વિભાગ આ વિભાગમાં રજૂઆત છતાં પણ કેમ પગલા નથી ભરતું તે જવાબ માંગતો સવાલ છે.
થોડા સમય પહેલા નદીસર પંચાયતના પદાધિકારીઓ દ્વારા પણ ખનિજ ખનન સ્થળે જઈને જાત નિરીક્ષણ કરી સદર બાબતે ખનિજ ચોરી કરતા તત્વોને આ કામ ન કરવા અને જો આ અંગે પરમિશન હોય તો બતાવવા જણાવેલ હતું પરંતુ આજ દિન સુધી ખનિજ ખનન કરનાર વ્યક્તિ દ્વારા આ અંગે મંજૂરીના કોઈ દસ્તાવેજ રજૂ કરેલ નથી. જેથી નદીસર ગ્રામ પંચાયતના સરપંચ અને ડે.સરપંચે ખાણ ખનીજ વિભાગ ગોધરાને લેખિત રજૂઆત પણ કરેલ છે. આ તરફના આગેવાનો તેમજ ગ્રામજનો સમગ્ર વિસ્તારમાં થતી ખનિજ ચોરી અટકાવવા માંગ ઉઠી છે.
આ તરફ નવા નદીસર અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનો પર ગેરકાયદેસર દબાણ, બાંધકામ અને મોરમ ખનન વર્ષો થી થાય છે. નવા નદીસર પંથક આ બાબતે “દલા તરવાડીની વાડી” સમાન બની ગયો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. ત્યારે સબંધિત વિભાગ આ બાબતે તાત્કાલિક તપાસ કરે તે જરૂરી છે.