નડિયાદના 108 વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ 108 વર્ષની વયે પણ મતદાન કરી લોકશાહીનો પર્વ ઉત્સાહથી ઉજવે છે

  • આજ સુધી દરેક ચુંટણીમાં મેં મતદાન કર્યુ છે – જવેરબેન રબારી

“ઉત્સાહી હોય તે યુવાન” આ કહેવત ચૂંટણીના સમયમાં મતદારોના મિજાજને સચોટ રીતે વર્ણવે છે. પ્રથમ વખત મતદાર હોય, મહિલા મતદાર હોય, દિવ્યાંગ મતદાર હોય કે પછી શતાયુને પાર કરી ગયેલા મતદારો હોય, તમામ મતદારો જ્યારે એક સરખા ઉત્સાહથી મતદાન કરે છે ત્યારે લોકશાહી ખરા અર્થમાં સાર્થક થાય છે.

લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી. લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના આ પર્વની ઉજવણીમાં નડિયાદના 108 વર્ષના બા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. નડિયાદના જેવરબેન રબારી 108 વર્ષની ઉમરે પણ નિયમિત મતદાન કરી દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 116-નડિયાદ વિધાનસભાના મતવિભાગના જેવરબેન મેલાભાઈ રબારી 108 વર્ષની ઉંમરે પણ અચૂક મતદાન કરવાનો નિર્ધાર ધરાવે છે.

જેવરબેન રબારી જણાવે છે કે “કોઈ પણ પ્રકારની ચૂંટણી કેમ ના હોય મે હમેશાં મતદાન કર્યું છે. અને આ ચૂંટણીમાં પણ હું અચૂક મતદાન કરીશ.” લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં જેવરબા જાતે મતદાન મથકે જઈ પોતાનો અમૂલ્ય મત નોંધાવશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અચૂક મતદાન માટે વિભિન્ન સમુદાયના લોકો દ્વારા મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે મતદાન અપીલની આ શ્રેણીમાં નડિયાદ શહેરના મીલ રોડ, મજૂરગામમાં રહેતા 108 વર્ષનાં શ્રી જેવરબેન મેલાભાઈ રબારીએ જિલ્લાવાસીઓને લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અવશ્ય મતદાન કરવાની વિનંતી કરી છે.નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અચૂક મતદાન કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આજે આખો દેશ કટિબદ્ધ છે. ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં 07 મે ના રોજ મતદાન થકી 26 સીટો પર જે તે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ગુજરાતમાં ઠેર ઠેર સ્વીપ એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.