નડિયાદ તલાટી બાગથી માઈ મંદિર સુધીનો માર્ગ બિસ્માર

નડિયાદ નડિયાદ શહેરના તલાટી બાગથી માઈ મંદિર જવાનો રોડ ઉભરાતી ગટરના પાણીથી નર્કાગારમાં ફેરવાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સ્થિતિના લીધે ચાલતા જતા લોકોને તેમજ વાહનચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે. છતાં નગરપાલિકા દ્વારા ઉભરાતી ગટરની તેમજ કાદવ-કિચડની સાફ સફાઈ ન કરાતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.

નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યુ છે કે, પશ્રિમ વિસ્તારમાં પ્રસિદ્ધ માઈ મંદિર આવેલ હોવાથી મંદિરના દર્શન કરવા લોકોને ભારે અવર જવર રહે છે. ત્યારે શહેરના હાર્દ સમા તલાટી બાગથી માઈ મંદિર જવાના રોડ પર ધણા સમયથી ગટર ઉભરાય છે. જેના ગંદા પાણી રોડ પર વહેતા હોવાથી રેલ્વે ગરનાળામાં બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે. આ ગરનાળામાં કાદવ-કિચડના થર જામ્યા છે. જેના કારણે લોકોને ગંદા પાણી તેમજ કાદવ-કિચડમાં થઈને પસાર થવુ પડે છે. માઈ મંદિર રોડ પર ઉભરાતી ગટરના ગંદા પાણી તેમજ ગંદકી કચરાના ઢગલાને કારણે ધર્મ પ્રેમી ભકતોની લાગણી દુભાઈ છે. આ રોડ પર એક અઠવાડિયાથી આ સ્થિતિ હોવા છતાં હજુ સુધી ઉભરાતી ગટર તેમજ કાદવ કિચડની સાફ સફાઈ કરવામાં આવી નથી. આ રોડ પરથી ચુંટાયેલા પ્રતિનિધિઓની પણ અવર જવર રહે છે. તેમજ સફાઈ ઝુંબેશ અભિયાન ચાલી રહ્યુ છે છતાં પાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. માઈ મંદિર ગરનાળા નજીક પમ્પિંગ રૂમ નીચે પાણીના નિકાલ માટે લોખંડની જાળી ઉંચી હોવાથી ઉભરાતી ગટરના પાણી ભરાઈ રહે છે ત્યારે આ લોખંડની જાળી નીચે ઉતારવામાં આવે તેમજ પાલિકા તંત્ર દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ તેમજ ગરનાળામાં ભરાતા પાણી કાદવ કિચડ દુર કરાય તેવી માંગ ઉઠવા પામી છે.