નડિયાદ પીજ ચોકડી ખાતે આવેલ ધરણીધર સોસાયટીના બે મકાનોમાં ચોરીનો પ્રયાસ

નડિયાદ, દિવાળી ટાણે જ તસ્કરોએ એક સોસાયટીમાં ધાડ પાડી ત્રણ મકાનોને ટાર્ગેટ કર્યા છે. નડિયાદમાં પીજ ચોકડી ખાતે આવેલ ધરણીધર સોસાયટીમાં રવિવારની રાત્રે ચોરીની ઘટના મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં તસ્કરોએ આ સોસાયટીમાં વધુ બે મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. જોકે મકાન માલિક જાગી જતાં તસ્કરોને ભાગવુ પડ્યુ હતું.નડિયાદના ટુડેલ સીમ અને પીજ ચોકડી વિસ્તારમાં આવેલ ધરણીધર સોસાયટીના મકાન નંબર અ-32માં અનીલભાઈ ગઢવી રહે છે. જે પોતે શિક્ષક તરીકેની નોકરી કરે છે. રવિવારની રાત્રે તેઓ તેમના પરિવારના સૌ સભ્યો સાથે ઉપરોક્ત મકાનમાં ઉપરના માળે આવેલ બેડરૂમમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન મોડીરાત્રે તસ્કરોએ પાછળની બાજુએ આવેલા રસોડાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરિવાર ઉપર સુઈ રહ્યો હોય તેઓને જાણ ન થાય તે રીતે ઘરમાં ઘૂસી બેડરૂમમાં પ્રવેશી અહીંયા આવેલ લોકર કોઈ હથિયાર વડે તોડી અંદર મૂકેલ સોના-ચાદીના દાગીના, રોકડ રકમની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં ઉલ્લેખ છે કે, આજ રાતે આ સોસાયટીના વધુ બે મકાનોમાં ચોરી કરવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો છે. આ સોસાયટીના મકાન નં.બી/62માં રહેતા ધવલભાઇ ઇશ્વરભાઇ રાજપુતના મકાનની પાછળના ભાગે રસોડાની બારીનો કાચ ખોલી લોખંડની ગ્રીલ તોડવાનો પ્રયત્ન કરતા તેઓ જાગી ગયેલા હતા. આ ઉપરાંત તેમની બાજુમાં આવેલ મકન નં.બી/60માં રહેતા મહેન્દ્રભાઇ ઠક્કર નાઓના બંધ મકાનમાં મકાનનો મુખ્ય દરવાજાનું તાળુ તોડવાનો પ્રયત્ન કરેલ અને પાછળના ભાગે આવેલ રસોડાની બારીનો કાચ ખોલી લોખંડની ગ્રીલ તોડવાનો પ્રયત્ન કરેલો હતો.