નડીઆદના વૃદ્ઘ તબીબના ત્રણ એકાઉન્ટમાંથી ગઠિયાએ ૧.૦૧ લાખ પડાવી લેતાં ફરિયાદ

નડીઆદના વૃધ્ધ ડોક્ટરે કુરીયર ના મળતાં ગુગલ પરથી નંબર લઈને ફોન કરતા સાયબર ક્રિમીનલોએ વિવિધ બહાના હેઠળ તેમના ત્રણ બેંક એકાઉન્ટમાંથી કુલ૧.૦૧ લાખ રૂપિયા પાંચ ટ્રાન્ઝેક્શન મારફતે ઉપાડી લઈને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

નડિયાદ શહેરમાં વાણિયાવડ વિસ્તારમાં રહેતા માંગલ્ય બંગ્લોઝમાં રહેતા ૭૦ વર્ષીય ડો.પ્રવીણકુમાર હીરાલાલ સોલંકી શહેરના નવા બસ સ્ટેશન પાસે ડો.સોલંકી નામની હોસ્પિટલ ચલાવે છે. તેઓના જુદી જુદી ૩ બેંકોમાં પોતાના એકાઉન્ટ છે. ગત ૨૫ ઓગસ્ટના રોજ નડિયાદ પ્રોફેશનલ કુરીયરમાંથી અમદાવાદ ખાતે રહેતા તેમના સાળા આલાપને કુરીયરથી રાખડી મોકલી હતી. પણ આ રાખડી ૩૦ ઓગસ્ટ સુધી મળી નહોતી. જેથી આ બાબતે ડો.પ્રવીણકુમારે ગુગલ પર જઇ પ્રોફેેશનલ કુરીયર લખી સર્ચ કરેલ જ્યાં તેમને એક મોબાઇલ નંબર મળેલ હતો. જે નંબર ઉપર કોલ કરતા સામાવાળાએ ફોન ઉપાડેલ નહીં અને થોડીવાર પછી એક ટોલ ફ્રી નંબર પરથી ડો.પ્રવીણકુમારને ફોન આવેલ અને સામેવાળાએ કહેલ કે તેઓ પ્રોફેશનલ કુરીયરમાંથી બોલે છે.

તેણે જો કુરીયરને એક્ટીવેટ કરાવવું હોય તો તમારે રૂપિયા પ ભરવાના રહેશે જેથી ડો.પ્રવીણભાઇએ હા પાડતા તેમના મોબાઇલ પર વોટ્સએપ મારફતે એક લીંક આવી હતી જેમાં ડો.પ્રવીણભાઇએ બેંકની ડીટેલ્સ નાખી હતી. આ પછી ગત ૨ સપ્ટેમ્બરના રોજ તેમના ઉપરોક્ત ૩ બેંક એકાઉન્ટમાંથી પ જુદા જુદા ટ્રાન્ઝેકશનો દ્વારા ડો.પ્રવીણકુમારની જાણ બહાર કુલ રૂપિયા ૧, ૦૧સ૬૮૪.૫૦ ઉપાડી લીધા હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. આથી આ સંદર્ભ જે તે સમયે તબીબે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને આજે સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં એક ટોલ ફ્રી અને એક અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.