- રોગચાળા અટકાયતી પગલાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી, ઓ.આર.એસ. વિતરણ, કલોરીનેશન સહિતની કામગીરી કરવામાં આવી.
નડિયાદ, વીણા ગામમાં ઝાડા ઉલટીના બનાવો અંતર્ગત તા.30/04/2024 ના રોજ જીલ્લા આરોગ્ય તંત્ર તાલુકા હેલ્થ ઓફિસર નડીયાદ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરેરાની કુલ 15 જેટલી આરોગ્ય ટીમ દ્વારા 240 ઘરો તેમજ 1250 જેટલી વસ્તીમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરતા કુલ 30 ઝાડાના તેમજ 1 ઝાડા- ઉલટીના, એમ કુલ 31 કેસો મળી આવ્યા હતા. જે પૈકી હાલ 5 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેઓની તબિયત હાલ સારી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરેરાની આરોગ્ય ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ, રોગચાળા અટકાયતી પગલાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી, ઓ.આર.એસ. વિતરણ, કલોરીનેશનની કામગીરી, લીકેજ શોધખોળ, આરોગ્ય શિક્ષણ અને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કલોરીનેશન યુક્ત શુદ્ધ સલામત પાણી પુરવઠો મળી રહે તે માટે પાઈપલાઈન લીકેજની સમસ્યા તાત્કાલિક ધોરણે હલ થાય તે માટે ગ્રામપંચાયત વીણાના સરપંચને જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત વીણા ગામમાં ઝાડા ઉલટીના બનાવો અંતર્ગત બાળકીના શંકાસ્પદ મૃત્યુ અંગે બાળકીના માતા-પિતાની પૂછપરછ કરતા હાલ ગામમાં લગ્ન પ્રસંગ હોય, બાળકીનું મરણ ફૂડ પોઇઝનિંગના કારણે થયેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે, તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.