નડિયાદ-મહુધા રોડ પર દવાપુરા પાટીયા પાસે એસ.ટી.અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનુ મોત

નડિયાદ, નડિયાદ-મહુધા રોડ પર પુરપાટ આવતી એસ.ટી.બસ સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા રોડ પર પલ્ટી ખાઈ ગઇ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એકનુ મોત નીપજયું હતુ. જયારે ત્રણ મુસાફરોને ઈજાઓ થતાં તરત સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા તાલુકાના કડી તાબે ખોડિયારપુરામાં રહેતા અજયભાઈ મહેન્દ્રભાઈ ભોજાણી મિત્રો સુરેશભાઈ રમણભાઈ ભોજાણી, રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ ડાહ્યાભાઈ ભોજાણી અને સાસ્તાપુરના હિતેશભાઈ રમણભાઈ ભોઈને રિક્ષામાં બેસાડી કોઈ કામ અર્થે નડિયાદ આવ્યા હતા. તેઓ મોડી રાતે નડિયાદથી પોતાના ધરે જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા હિતેશભાઈ ચલાવી રહ્યા હતા ત્યારે મહુધા રોડ પર દવાપુરા પાટીયા બારમહુડી પાસેથી પસાર થતા હતા દરમિયાન સામેથી પુરપાટ આવતી હિંમતનગર-નડિયાદ એસ.ટી.બસમાં ધડાકાભેર રિક્ષા સાથે અથડાઈ હતી. જેથી રિક્ષા રોડ પર પલ્ટી ખાઈ જતા આ અકસ્માતમાં અજયભાઈનુ ગંભીર ઈજાઓ થતાં મોત નીપજયું હતુ. જયારે રિક્ષા ચાલક સહિત 3 વ્યકિતઓને ઈજાઓ પહોંચતા તરત જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે વિજયભાઈ મહેન્દ્રભાઈ ભોજાણીએ અકસ્માત સર્જનાર એસ.ટી.બસના ચાલક સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.