નડિયાદ, નડિયાદમાં ભેદી સંજોગોમાં ગુમ વેપારીના મોત પ્રકરણમાં હત્યાની ફરિયાદ 72 કલાક બાદ નોધાઈ છે. ખુન, લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલા ધંનજય ઉર્ફે સેટ્ટી દેસાઈને વચ્ચે રાખી મરણજનાર હિરેન દેસાઈએ એક વર્ષ અગાઉ નાણાં લીધા હતા. જે ન ચૂકવી શકતા ધંનજય ઉર્ફે સેટ્ટીએ પોતાના મોપેડ પર બેસાડી હિરેન દેસાઈને રામજી મંદિર નજીક આવેલ કુવા પાસે લઈ ગયો હતો. જ્યાં ધક્કો મારી બાદમાં ધંનજય ઉર્ફે સેટ્ટી ફરાર થયો હતો. હત્યારાએ પકડાઈ જવાના ડરથી કુવા નજીકના સીસીટીવી તોડી નાખ્યા હતા. જોકે, અંતે હત્યારા ધંનજય ઉર્ફે સેટ્ટીને પોલીસ ઉઠાવી લાવતાં સમગ્ર હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં ગત 11મી ડિસેમ્બરના રોજ સવારે શીતલ સિનેમા પાસે આવેલ મંગલમ હોલ નજીકના રામજી મંદિરના કુવામાંથી મળેલી હિરેન દેસાઈના મૃતદેહના મામલે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. મૃતકની પત્ની પાયલે નડિયાદ ટાઉનમાં નોધાવેવી ફરિયાદમાં જણાવાયું છે કે, તેઓના પતિ હિરેન દેસાઈને નાણાંની તાતી જરૂરિયાત ઊભી થતાં એક વર્ષ અગાઉ નજીક રહેતા પોતાના જ્ઞાતિના મિત્ર ધનંજય ઉર્ફે સેટ્ટી હરીભાઇ દેસાઈ (રહે.મોટાભાઈનુ ફળિયું, દેસાઈ વગા)ને વચ્ચે રાખી ક્યાંકથી હાથ ઉછીના નાણાં લીધા હતા. આ નાણાં પરત લેવા ધનંજય ઉર્ફે સેટ્ટીનું દબાણ હોય તેઓ ઘણા સમયથી માનસિક રીતે પડી ભાગ્યા હતા. હિરેનભાઇ દેસાઈને આવકમાં માત્ર એક કરિયાણાની દુકાન તેમજ પત્ની હોસ્પિટલમાં કેશ કાઉન્ટર પર નોકરી કરતી હોય મોટી રકમની ચૂકવણી કરવામાં અસમર્થ હતા. જોકે, વચ્ચે રહેલા ધનંજય ઉર્ફે સેટ્ટી જ્યારે પણ મળે ત્યારે ગાળો બોલી તને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેવી હકીકત મરણજનાર હિરેને પોતાની પત્ની પાયલને ગુમ થતાં પહેલાં કહી હતી. આ ધનંજય ઉર્ફે સેટ્ટી માથાભારે હોય અગાઉ તે ખુન, લૂંટના ગુનામાં અગાઉ પકડાયેલ હોય હિરેનભાઇ ખુબજ ડરેલા હતા.ગત 8મી ડિસેમ્બરના રોજ રાત્રે આ ધનંજય ઉર્ફે સેટ્ટી હિરેનના ઘરે આવ્યો હતો અને જ્યાંથી ધનંજય પોતાના મોપેડ પર બેસાડી નજીક આવેલ રામજી મંદિર પાસે લઈ ગયો હતો. બાદમાં ડરેલા અવાજે હિરેન દેસાઈએ પોતાની પત્નીને ફોન કરી કહ્યું કે, મને ધનંજય નજીક આવેલા રામજી મંદિર પાસે લઈ ગયો છે. જો હું થોડીવારમાં ઘરે ન આવું તો મને ફોન કરી બહાનું કાઢી ઘરે બોલાવી લે જે, જેથી પાયલે થોડીવાર બાદ હિરેનને ફોન કર્યો પણ આખેઆખી રીંગ પુરી થઈ પણ ઉપાડ્યો નહોતો. બાદમાં ફોન સ્વિચ ઓફ આવતા ચિંતાતુર બનેલ પાયલે ધનંજયને ફોન કરતા તેણે કહ્યું કે, હિરેન દેસાઈ સંસ્કાર વાડી પાસે આવેલ ગલ્લા પર છોડી દીધો છે. બાદમાં ધનંજયનો પણ ફોન સ્વિચ ઓફ બોલવા લાગ્યો હતો.
જેથી પાયલે મોડી રાત્રે રામજી મંદિર અને આસપાસ તપાસ આદરી પણ હિરેનનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. જેથી ધનંજય ઉર્ફે સેટ્ટીની પત્નીને ફોન કરતા જાણવા મળ્યું કે, ધનંજય ઉર્ફે સેટ્ટી મોપેડની ચાવી નાખી આજ રાતથી લાપતા બન્યો છે. જોકે આ બાદ ગત 11મી ડિસેમ્બરના રોજ સવારે શીતલ સિનેમા પાસે આવેલ મંગલમ હોલ નજીકના રામજી મંદિરના કુવામાંથી હિરેન દેસાઈનો ક્ષતવિક્ષિત હાલતમાં મૃતદેહના મળી આવ્યો હતો. પોલીસે સૌપ્રથમ અપમૃત્યુની નોધ કરી તપાસ કરતા આ આખેઆખો બનાવ ઉજાગર થયો છે.ગતરોજ પોલીસ આરોપી ધનંજય ઉર્ફે સેટ્ટી હરીભાઇ દેસાઈની ધરપકડ કરતા તેણે જ મરણજનાર હિરેનને કુવા પાસે લઈ જઈ ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી છે. આથી પોલીસે ગતરોજ મરણજનાર હિરેનની પત્ની પાયલની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં હત્યારાએ પકડાઈ જવાના ડરથી કુવા નજીકના સીસીટીવી તોડી નાખ્યા હતા. બનાવની રાત્રે બંને મિત્રોએ મંદિરમા બેઠા પછી બીડી અને આર એમ ડી ખાધી હતી. રૂપિયાની લેતી દેતીમાં ધનંજય અને હિરેન વચ્ચે હાથાપાઈ થઈ હતી. બાદમા ધનંજયે હિરેનને કુવા પાસે જઈ ધક્કો માર્યો હતો. રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ધનંજય સામેની કોઈ અંધારાવાળી જગ્યાએ છુપાઈને બેસી રહ્યો હતો. બાદમાં વહેલી સવારે બસમા વડોદરા ગયો અને વડોદરા રેલ્વે સ્ટેશનના એકાંતવાળા બે ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર રાત ગુજારી હતી.
આ બાદ પોતાનું નામ આ કેસમાં હોવાની જણા થતાં ધનંજય સવારે એક્સપ્રેસ હાઈવેથી નડિયાદ આવ્યો અને એક્સપ્રેસ હાઈવેના બ્રિજ પાસેની જગ્યામા આખી રાત બેસી રહ્યો હતો. ધનંજયને આત્મહત્યાનો પણ વિચાર આવ્યો હતો. તેવી કેફીયત હત્યારાએ કબુલી છે.