
- સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગે જીલ્લાવાસીઓમાં જાગૃતતા ફેલાવવા પત્રકાર મિત્રોને જીલ્લા કલેક્ટરનો અનુરોધ
મુખ્યમંત્રીના હસ્તે ખેડાવાસીઓને મળશે રૂ.118.54 કરોદના 218 વિકાસ પ્રકલ્પોની ભેટ. - જીલ્લાના પત્રકાર મિત્રોને સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમની વિગતો આપતા જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ.
નડિયાદ ખાતે થનાર 78મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંગે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીલ્લાના પત્રકાર મિત્રોને વિગતો આપતા જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ખેડા જીલ્લાને રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે અંતર્ગત બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે.
કલેકટરએ જણાવ્યું હતું કે, 14 મી ઓગસ્ટના રોજ સાંજે 4-30 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સ્વામિનારાયણ મંદિર ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બાદ સાંજે 06-30 હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ખમીરવંતુ ખેડા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં જીલ્લાની ઐતિહાસિક, સાંસ્કૃતિક ઘટનાઓ તેમજ આઝાદીની ચળવળ સહિતની તમામ વિગતોને આવરી લઈ પ્રોફેશનલ કલાકારો દ્વારા મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.42.20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ 117 કામોનું ઈ-લોકાર્પણ અને રૂ.76.34 કરોડના ખર્ચે થનાર 101 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, 15 મી ઓગસ્ટના રોજ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 09-00 કલાકે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ પીપલગ ખાતેના કર્મયોગી વનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી બને તે માટે જાગૃતતા ફેલાવવા પત્રકાર મિત્રોને કલેક્ટરએ આહવાન કરતાં જણાવ્યું હતું કે, આજથી શરૂ થતા હર હર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ શહેરમાં 12 મી ઓગસ્ટના રોજ એસઆરપી ગ્રાઉન્ડથી ઇપ્કોવાલા હોલ સુધી તિરંગા યાત્રા યોજાવામાં આવશે. જેમાં, નગરના 5000 જેટલા લોકો પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રાને પાંચ પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલિઓ સાથે કાઢવામાં આવશે. તેમણે આ તિરંગા યાત્રામાં નડિયાદવાસીઓને જોડાવા અપીલ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી ક્રિષ્ના ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.