નડિયાદ કણજરીના યુવકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ મેળવવામાં 2.02 લાખ ગુમાવ્યા

નડિયાદ,નડિયાદ તાલુકાના કણજરીમાં એક યુવકને અજાણ્યા ઈસમે કુરિયરના પૈસા ભરવા બાબતે વિશ્ર્વાસમાં લઈ વ્યકિતના અલગ અલગ બેંંક ખાતામાંથી કુલ રૂ.2,01,650 ઓનલાઈન ઉપાડી લઈ યુવક સાથે વિશ્ર્વાસધાત કરી છેતરપિંડી કરતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે વડતાલ પોલીસ મથકે ત્રણ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના કણજરી પ્રજાપતિ મહોલ્લામાં સુનીલકુમાર મનુભાઈ પ્રજાપતિ તે કણજરી ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુનીલ ઉપર દોઢ માસ અગાઉ કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે,તમારે ડીબીએસ કંપનીનુ ક્રેડિટ કાર્ડ જોઈએ છે. જે અંગે સુનીલે હા પાડી હતી. અઠવાડિયામાં ક્રેડિટ કાર્ડ તમારે સરનામે આવી જશે અને સુનીલે પોતાની બધી વિગતો જણાવી હતી. ત્યારબાદ તા.01/11/2023ના રોજ સુનીલના મોબાઈલ પર ફોન આવેલ અને ક્રેડિટ કાર્ડનો ટ્રેકિંગ નંબર જણાવવા કહેતા સુનીલે ટ્રેકિંગ નંબર આવ્યો હતો. પછી સુનીલનુ નામ-સરનામુ જણાવી ક્રેડિટ કાર્ડ 4 નવેમ્બરના રોજ આવી જશે અને અમારા આ નંબર ઉપર પાંચ રૂપિયા ટ્રાન્સ્ફર કરી દો કહેતા ત્રણ વખત એસબીઆઈ બેંકમાંથી સુનીલે ટ્રાન્સ્ફર કર્યા હતા. પરંતુ કોઈ કારણોસર ટ્રાન્ઝેકશન થયુ નહિ. સુનીલને ત્રણ અલગ અલગ બેંક એકાઉન્ટ હોવાથી એચડીએફસી, બીઓબી અને એસબીઆઈ બેંકમાંથી ટ્રાન્સ્ફર કરવા છતાં ટ્રાન્ઝેકશન થયુ નહિ, ત્યારબાદ ફોન કરતા સુનીલમાં મોબાઈલમાં પાંચ રૂપિયા ડેબિટ થયેલાનો એસબીઆઈ બેંકનો મેસેજ આવ્યો હતો. જેથી તેઓને સુનીલે સ્ક્રિનશોટ ઉપરોકત નંબર ઉપર વોટ્સએપથી મોકલી આપેલ હતો. આ સિવાય અન્ય નંબર ઉપરથી ટેકસ મેસેજ આવેલો અને જણાવ્યુ હતુ કે,તમે આ મેસેજ અન્ય આપેલા નંબર ઉપર ફોરવર્ડ કરો. જે મુજબ સુનીલે ટેકસ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. ત્યારબાદ તા.6ના રોજ મોબાઈલમાં બેંકનો મેસેજ આવેલો અને તેમાં રૂ.3,650 ડેબિટ થયેલ હતા. બીજી બીઓબી ખાતામાં ચેક કરતા રૂ.99,000 ડેબિટ થયેલા હતા. જેથી સુનીલને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયુ હોવાનુ માલુમ પડ્યુ હતુ. આ સંદર્ભે કોઈ ઈસમે કુરિયરમાં આવતા ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા બાબતે વિશ્ર્વાસમાં લઈ એચડીએફસી બેંકના ખાતામાંથી રૂ.99,000 મળી કુલ રૂ.2,01,650 ઉપાડી લઈ વિશ્ર્વાસધાત કરી છેતરપિંડી અંગે સુનીલ પ્રજાપતિની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ વડતાલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.