નડિયાદ ઇન્દિરા નગર-2 વિસ્તારમાં નોંધાયેલ ઝાડા ઉલ્ટીના કેસો અંગે રોગ અટકાયત અને નિયંત્રણના પગલા લેવાયા

  • તા. 22 મે સુધીમાં કુલ 111 ઝાડા ઉલટીનાં કેસો નોંધાયા, જે પૈકી 24 દર્દીઓ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે સારવાર હેઠળ.
  • જીલ્લા કલેકટરએ સિવિલ હોસ્પિટલ નડિયાદની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી
  • અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 21 આરોગ્ય ટીમો કાર્યરત.

નડિયાદ,સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે ઇન્દિરા નગર-2માંથી ઝાડા-ઉલ્ટીના કેસો દાખલ થવા અંગેની જાણ તા. 19/05/2024 ના રોજ જીલ્લા કક્ષાએ થતા જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઝાડા ઉલટીના કેસ તથા તે સંબંધિત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

નડિયાદમાં જાડા ઉલટીના કેસો અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત નડિયાદના પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ અર્બન હેલ્થ સેન્ટર-2 મેડીકલ ઓફિસર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો અંગે સઘન સર્વેલન્સ હાથ ધરી આરોગ્ય ટીમો દ્વારા કેસોની શોધખોળ કરી કેસોને સ્થળ પર સારવાર તેમજ અન્ય કેસોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે રીફર કરવાની કામગીરી કરવામાં આવી છે.

આ રોગચાળા અંતર્ગત તા. 19 થી 22 મે, 2024 સુધી જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરી દ્વારા કુલ 111 ઝાડા ઉલટીના કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં 85 ઝાડાના કેસો અને 26 ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાયા છે. જે પૈકી હાલ કુલ 24 દર્દીઓ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે, 02 દર્દીઓ એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે, 02 દર્દીઓ રાધાસ્વામી હોસ્પીટલ ખાતે તથા એક દર્દી શૈશવ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 450 આર.સી. ટેસ્ટ હાથ ધરતા કુલ 254 પોઝીટીવ અને કુલ 196 રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

વધુમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 877 કલોરીન ટેબલેટનું વિતરણ, તથા કુલ 633 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુલ 190 વ્યક્તિઓ કોન્ટેકટ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય તથા જીલ્લામાં વધુ ગરમીના કારણે હીટવેવ તેમજ પાણીજન્ય રોગોથી બચવા અંગે માઈક પ્રચાર દ્વારા પ્રચાર પ્રસાર કામગીરી પણ કરવામાં આવી છે.

ઝાડા-ઉલ્ટીના રોગચાળાનાં અસરકારક નિયંત્રણનાં પગલા માટે અધિક જીલ્લા આરોગ્ય અધિકારીને અર્બન હેલ્થ સેન્ટર-2 ના રોગ નિયંત્રણ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ 21 આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવ્યા છે. જીલ્લા કક્ષાના સુપરવાઈઝરઓને પીવાના પાણીના કલોરીનેશન, પાઈપલાઈન લીકેજીસ મોનીટરીંગ તેમજ રોગચાળાને લગતા આનુસાંગિક સુપરવિઝન મોનીટરીંગ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રોગચાળાનાં અભ્યાસ તેમજ અટકાયતી પગલા માટે મેડીકલ કોલેજ નડીઆદના પી.એસ.એમ વિભાગની રેપીડ રિસ્પોન્સ ટીમની મુલાકત ગોઠવાઈ તે માટે ભલામણ કરવામાં આવી છે. પીવાના પાણીના બેકટેરીયોલોજીકલ પૃથ્થકરણ માટે પાણીના નમુના પબ્લિક હેલ્થ લેબોરેટરી, પાણી પુરવઠા વિભાગ નડીઆદ ખાતે મોકલવામાં આવેલ છે. તેમજ પાણીના નમુનાના વોટર કલ્ચર માટે પાણીના નમુના માઈક્રોબાયોલોજી વિભાગ, બિ.જે મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલવામાં આવનાર છે.

આમ, જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નડિયાદ શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળા માટે અસરકારક અને સમયસરના રોગ અટકાયત પગલા હાથ ધરવામાં આવેલ છે.