નડિયાદના ચકલાસી-જાંબાપુરાના ખેડુતે પ્રાકૃતિક ખેતીથી કર્યુ ભીંડા અને દુધીનું વાવેતર

  • છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અન્ય ખેડુતોને તાલીમ આપતા ચકલાસી-જાંબાપુરાના માસ્ટર ટ્રેનર- ખેડુત.

રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતીથી શરીર સ્વાસ્થ્ય અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. લોકો ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજવસ્તુઓના ઉપયોગ તરફ વળ્યા છે. ખેડા જીલ્લામાં યુવાનોની સાથે મોટી ઉમંરના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, જે ખૂબ જ નોંધનીય બાબત છે. આજે વાત કરીએ નડિયાદનાં ચકલાસી-જાંબાપુરાનાં 62 વર્ષીય ખેડુત શંકરભાઈ ડાયાભાઈ વાધેલા જેઓ 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે.

શંકરભાઈએ આ વખતે ફક્ત દેશી ગાય આધારીત પદ્ધતિથી તેમની કુલ સાત વિધા જમીનમાંથી બે વિઘા જમીનમાં ભીંડો અને અડધા વિધા જમીનમાં દુધીનુ વાવેતર કર્યુ છે. શંકરભાઈ જણાવે છે કે, તેઓ પોતાની ખેતીમાં ફક્ત દેશી ગાય આધારીત જીવામૃત અને ઘનામૃતનો જ છંટકાવ કરે છે. ગાયના નિભાવ પેટે તેમને સરકાર દ્વારા દર મહિને રૂ.900 સહાય મળે છે.

શંકરભાઈ જણાવે છે કે તેઓ આણંદ વિદ્યાનગર સૃષ્ટિ હાટમા જઈ પોતાની ખેત-પેદાશોનું સારા ભાવે વેચાણ કરે છે, જેનાથી તેમને ખેતી ખર્ચની સામે સારૂ વળતર મળી રહે છે. આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને શંકરભાઈ વાધેલાએ અત્યાર સુધીમાં પ્રાકૃતિક ખેતીની અનેકવિધ તાલીમ લીધી છે અને એક માસ્ટર ટ્રેનરની ભૂમિકામાં તેમણે અંદાજીત 300 જેટલા ખેડુતોને પણ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી છે.