નડિયાદ, નડિયાદમાં બે દિવસ પહેલા રામજી મંદિરના કુવામાંથી વેપારીનો મૃતદેશ મળવાની ધટના પરથી પડદો ઉંચકાઈ ગયો છે. પૈસાની લેવડ-દેવડમાં મિત્રએ જ મિત્રને કુવામાં ધકકો મારી દીધો હોવાનુ ખુલ્યુ છે. હત્યા કરી ફરાર ગયેલા આરોપી પાસે પૈસા પુરા થતાં તેણે અંતે જે થશે તે જોયુ જશે તેવો વિચાર કરી ધરે પહોંચ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પુછપરછમાં તેણે તમામ ખુલાસા કર્યા હતા. આ અંગે હાલ નડિયાદ પોલીસ મથકે મૃતકના પત્નિની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદમાં સી.જે.કંપની અને ખેતા તળાવની વચ્ચે આવેલા રામજી મંદિરના કુવામાંથી દેસાઈ વગામાં રહેતા હિરેન દેસાઈનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ બાદ પોલીસે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી મૃત્યુનુ કારણે શોધવા એક બાદ એક કડીઓ જોડવાનુ શરૂ કર્યુ હતુ. જોકે પરિવારજનોના નિવેદન પરથી શંકા હિેરેન દેસાઈના જ મિત્ર ધનંજય દેસાઈ ઉર્ફે શેટ્ટી પર અટકી હતી. પોલીસે શેટ્ટીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ વચ્ચે ધનંય પોતાના ધરે પહોંચ્યો હતો જયાં પોલીસે તેની અટકાયત કરી તેની પુછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાનુ કબુલ્યુ હતુ. અને તેણે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ કે, એ દિવસે તે પોતાના પત્નિનુ એક્ટિવા લઈ મિત્ર હિરેન દેસાઈના ધરે ગયો હતો. જયાં ધનંજયે હિરેન સાથે પોતે ટુકડે ટુકડે કરીને આપેલા પાંચ લાખ રૂપિયાની ઉઘરાણી અર્થે વાતચીત કરવી હોવાના કારણે તેણે ધરે વાત કરવુ યોગ્ય ન લાગતા તેણે હિરેનને બહાર આંટો મારીને આવીએ તેમ કહી રામજી મંદિરે લઈ ગયો હતો. રામજી મંદિરે ગયા બાદ બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન બીડીના શોખીન હિરેન દેસાઈએ બીડી માંગીને પીધી હતી જયારે ગુટખા પણ ખાધી હતી. આ બાદ ધનંજય શેટ્ટીએ ટુકડે ટુકડે હિરેન દેસાઈને આપેલા પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેના જવાબમાં હિરેને કહ્યુ હતુ કે, મારી પાસે હાલ પૈસા નથી આ વાતચીત દરમિયાન તેઓ કુવા પાસે પહોંચ્યા હતા જયારે હિરેને વાતોવાતોમાં કહ્યુ હતુ કે, હાલ તો મારી પાસે પૈસા નથી મને કુવામાં ધકકો મારી દેવો હોય તો મારી દે…આ વખતે આવેશમાં આવેલા ધનંજય શેટ્ટીએ કુવા પરનુ પતરૂ ખસેડી હિરેન દેસાઈને ધકકો મારી દીધો હતો. જયાં હિરેન દેસાઈનુ અંદર પડ્યા બાદ મોત થયુ હતુ અને ચારેક દિવસે મૃતદેહમાંથી દુર્ગંધ આવતા ત્યાં કામ કરતા યુવકોને તપાસ દરમિયાન જાણ થતાં સમગ્ર ધટના બહાર આવી હતી. આ અંગે હિરેનની પત્નિ પાયલબેન દેસાઈએ પોતાના પતિની હત્યા મામલે ધનંજય દેસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.