નબળી શરૂઆત બાદ બજાર રિકવરી મોડમાં બંધ, સેન્સેક્સ ૭૨ હજારને પાર, નિફ્ટી માં પણ ઉછાળો જોવા મળ્યો

મુંબઇ, આજે ભારતીય શેરબજારમાં ઉથલપાથલનો દિવસ રહ્યો હતો. સવારે ૧૧.૧૫ વાગ્યા પછી દિવસના નીચા સ્તરેથી વધ્યા બાદ બજાર રિકવરીના મૂડમાં જોવા મળ્યું હતું. બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ ૦.૧૪ ટકા અથવા ૧૦૪.૯૯ પોઈન્ટ વધીને ૭૨,૭૪૮.૪૨ પર હતો. જ્યારે, નિફ્ટી ૦.૧૫ ટકા અથવા ૩૨.૩૫ પોઈન્ટ વધીને ૨૨,૦૫૫.૭૦ પર બંધ થયો હતો. બજારમાં મેટલ અને ઓટો શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. દરમિયાન ચીન સંબંધિત ડેટાએ પણ બજારનું સેન્ટિમેન્ટ જાળવી રાખ્યું હતું. ચીનના કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારો થયો છે. જોકે, રિયલ એસ્ટેટમાં હજુ પણ નબળાઈ યથાવત છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સાત ટકાનો વધારો થયો છે. આ આંકડો વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ સારો છે. આ સમયગાળા દરમિયાન ફેક્ટરીઓ અને સાધનો પર ખર્ચમાં ૪.૨ ટકાનો વધારો થયો છે.

શેરબજારમાં બીએસઇ સેન્સેક્સમાં ત્રીસ શેરો ધરાવતી ૧૫ કંપનીઓના શેર નફામાં બંધ થયા હતા. જોકે ૧૫ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી માં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. મેટલમાં ૨.૨૭ ટકા અને ઓટોમાં ૧.૨૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય બેન્ક , ફાર્મા, રિયાલિટી, હેલ્થ કેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે આઈટી, ફાઈનાન્શિયલ સેક્ટર, એફએમસીડી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી. આજે બજારમાં ૪૦૫૬ કંપનીઓના શેરમાં સોદા થયા હતા. તેમાંથી ૨૦૦૭ કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે ૧૯૩૨ કંપનીઓના શેર ખોટમાં બંધ થયા હતા. ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ અને અપોલો હોસ્પિટલ આજે નિફ્ટી માં ટોપ ગેઇનર્સમાં હતા. જ્યારે યુપીએલ,ટાટા કોમ્યુપ્યુટર ટીસીએસ અને અદાણી પોર્ટ્સના શેર ટોપ લૂઝરની શ્રેણીમાં સામેલ હતા.

યુએસ બજારોમાં નબળાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે સોમવારે શરૂઆતના વેપારમાં મુખ્ય શેર સૂચકાંકોએ અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા હતા, પરંતુ શરૂઆતના ટ્રેડિંગમાં લીડ જાળવી શક્યા ન હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૬.૩૬ પોઈન્ટ વધીને ૭૨,૭૬૯.૭૯ ના સ્તર પર પહોંચી ગયા છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૨૦.૬૫ પોઈન્ટ વધીને ૨૨,૦૪૪ પર હતો. જો કે, બંને સૂચકાંકો ટૂંક સમયમાં તેમના પ્રારંભિક લાભો ગુમાવી દીધા અને લાલમાં ગયા.