મ્યાનમાર સેનાએ બૌદ્ધ મઠમાં લોકો પર કર્યો ગોળીબાર, ૨૮ મોત

શાન પ્રાંત,

મ્યાનમાર આર્મી દ્વારા એક બૌદ્ધ મઠ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ૨૮ લોકો મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા હતા. મ્યાનમારના શાન રાજ્યના એક ગામમાં આ હુમલાને અંજામ આપ્યો હતો. એક વિદ્રોહી સંગઠન કારેન્ની નેશનલિસ્ટ ડિફેન્સ ફોર્સે આ અંગે દાવો કર્યો છે.

મ્યાનમારમાં સેના તખ્તાપલટને બે વર્ષ થયા છે. જે બાદ પાડોશી દેશમાં સેના અને વિદ્રોહી સંગઠનો વચ્ચે સતત હિંસા થતી રહે છે. તાજેતરમાં આ લડાઇની ઘટનામાં વધારો થયો છે. મ્યાનમારની સેનાએ શાન પ્રાંતના એક ગામમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં મ્યાનમારની એરફોર્સ અને સેના બંનેએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. સેનાના હુમલાથી બચવા માટે લોકો ગામના બૌદ્ધ મઠમાં છૂપાઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ સેનાએ પોતાનો જીવ ન છોડ્યો હતો.

મ્યાનમારના મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, સેનાએ લોકોને મઠની દિવાલની સામે ઉભા કરી દીધા અને ગોળી મારી દીધી હતી. મૃત્યુ પામનારાઓમાં આશ્રમના સાધુઓ પણ સામેલ છે. મ્યાનમારની સેનાનો આ હુમલો એટલો નિર્દય હતો કે, ગામના ઘણા ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાન પ્રાંત થાઈલેન્ડની સરહદે આવેલું રાજ્ય છે અને તખ્તાપલટ બાદથી અહીં સેનાને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે, અહીં હિંસક અથડામણ સામાન્ય બની ગઈ છે. કારેન્ની સંગઠન સૈન્ય વિરોધી છે અને તેમનો ગઢ શાન પ્રાંતની રાજધાની નાન નેઈન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મ્યાનમારની સેના આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં વર્ષ ૨૦૨૧માં સેનાએ સરકારને ઉથલાવીને સત્તા પર કબ્જો કર્યો હતો. ત્યારથી દેશમાં હિંસા ચાલુ છે. આ હિંસાને કારણે મ્યાનમારમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર લોકો બેઘર થઈ ગયા છે. ૮૦ લાખ બાળકો શાળાએ જઈ શક્તા નથી અને ૧૫ મિલિયન લોકો કુપોષિત છે. અત્યાર સુધી સત્તાવાર આંકડાઓ અનુસાર આ યુદ્ધમાં ૨૯૦૦ લોકોના મોત થઇ ચૂક્યા છે.