- અંદાજે ૪૦ પાર્ટીઓએ ડેડલાઈન સુધી ચૂંટણી માટે સાઈન અપ નથી કર્યું,
મ્યામાન,મ્યાનમારમાં સૈન્ય સરકાર જુંટાએ આંગ સાન સૂ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક પાર્ટી સહિત ૪૦ પાર્ટીઓને ભંગ કરી દીધી છે. સેનાએ જણાવ્યું કે, આ ૪૦ પાર્ટીઓ નવા ચૂંટણી કાયદા હેઠળ નોંધણી કરવામાં નિષ્ફળ રહી છે. રાત્રે સ્ટેટ મીડિયા મ્યાવાડી ટીવીએ જણાવ્યું હતું કે, દેશમાં ૬૩ પાર્ટીઓએ સ્થાનિક અથવા રાષ્ટ્રીય સ્તરે નોંધણી કરાવી છે. જ્યારે અંદાજે ૪૦ પાર્ટીઓએ ડેડલાઈન સુધી ચૂંટણી માટે સાઈન અપ નથી કર્યું, તેના પછી તેમને ભંગ કરી દેવામાં આવી છે.
પાર્ટી ભંગ થયા પછી યુએનએ મ્યાનમારમાં લોકશાહી પુન:સ્થાપિત કરવાની માગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે મંગળવારે આંગ સાન સૂકીની મુક્તિ પર ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમે મ્યાનમારમાં લોકશાહીની વાપસી જોવા માગીએ છીએ. અમે આંગ સાન સૂ કી અને અન્ય લોકોની મુક્તિ ઈચ્છીએ છીએ. અમે આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું.
૨૭ માર્ચના રોજ સેનાના નેતા જનરલ મિન આંગ હલિંગે એન્યુઅલ પરેડમાં ટૂંક સમયમાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ દરમિયાન તેમણે તારીખોની જાહેરાત કરી નહતી. હલિંગે જણાવ્યું હતું કે, તેઓ દેશમાં વિરોધીઓ પર કાર્યવાહીમાં કોઈ બાંધછોડ નહીં કરે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને દેશમાં લોકશાહી પુન:સ્થાપિત કરવામાં સમર્થનની માગ કરી હતી. અગાઉ ગત મહિને સેનાએ ૨ વર્ષ માટેની કટોકટીને વધુ ૬ મહિના આગળ વધારવાની જાહેરાત કરી હતી. સાથે જ ઓગસ્ટમાં યોજાનારી ચૂંટણીને પણ મોકૂફ રાખી હતી.
આંગ સાનની પાર્ટી એનએલડીના વરિષ્ઠ નેતા તુન મિંટે જણાવ્યું હતું કે, જ્યારે અમારા મોટાભાગના નેતાઓ કાં તો જેલમાં બંધ છે અથવા તો ક્રાંતિમાં સામેલ છે, એવા સમયમાં પાર્ટી ક્યારેય પણ નોંધણી નહીં કરાવે. સેનાએ અમારી પાર્ટીને ભંગ કરી દીધી છે, તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. અમારી પાસે જનતાનું સમર્થન છે અને અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. જ્યારે સેના દ્વારા આતંકવાદી જાહેર નેશનલ યુનિટી ગવર્નમેન્ટ એ જણાવ્યું કે, સેનાને દેખાડો કરવા માટે ચૂંટણી કરવાનો કોઈ અધિકાર નથી.
ઈન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના એડવાઇઝર રિચર્ડ હોર્સે જણાવ્યું હતું કે, મ્યાનમારમાં લશ્કરી શાસન રાષ્ટ્રીય ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આ દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. દેશની જનતામાં લશ્કરી શાસન સામે રોષ છે. તે લશ્કરી શાસનને વધુ મજબૂત કરવા માટે યોજાઈ રહેલી ચૂંટણીનો વિરોધ કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તેમના પર પરાણે ચૂંટણી થોપી દેવામાં આવશે, તો આ મ્યાનમારમાં અત્યાર સુધીનો સૌથી લોહિયાળ સંઘર્ષ હશે.
મ્યાનમારમાં સેનાએ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ બળવો કર્યો હતો. ત્યાંના લોકપ્રિય નેતા અને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મિંટ સહિત અનેક નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના પછી સૈન્ય નેતા જનરલ મિન આંગ હલિંગે પોતાને દેશના વડાપ્રધાન જાહેર કર્યા હતા. સેનાએ દેશમાં ૨ વર્ષની કટોકટીની જાહેરાત કરી હતી.