એમવીએએ પોતાના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને પ્રોજેક્ટ કર્યા

મુંબઇ,મહારાષ્ટ્રનું રાજકારણ એક અલગ વળાંક પર ચાલી રહ્યું છે. બીજેપી વિરુદ્ધ તેના અભિયાનમાં, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (એમવીએ)એ છત્રપતિ સંભાજી નગરમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજી હતી. આ રેલીમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો. તેનો સૌથી મહત્વનો મુદ્દો પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવેલ સન્માનનો હતો.

આ રેલીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, સ્ફછ ઠાકરેના નેતૃત્વ હેઠળ કામ કરવા જઈ રહ્યું છે. તેમ છતાં તેમણે તેમના પક્ષનું નામ શિવસેના અને તેના ચૂંટણી પ્રતીક ‘ધનુષ અને તીર’ કટ્ટર હરીફ એકનાથ શિંદે સામે ગુમાવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટે રેલીમાં ભાગ લીધો હતો.

એનસીપીનું પ્રતિનિધિત્વ વિપક્ષના નેતા અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કર્યું હતું. જોકે, ઉદ્ધવ ઠાકરેએ આ શો જીત્યો હતો. ઠાકરે સ્થળ પર પહોંચનારા છેલ્લા નેતા હતા. અન્ય નેતાઓ તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મંચ ઉપર વચમાં તે મોટી ખુરશી પર એકલા બિરાજમાન હતા. તેનાથી વિપરીત, અન્ય તમામ નેતાઓને તુલનાત્મક રીતે નાની ખુરશીઓ આપવામાં આવી હતી. આ રેલીને ઠાકરે એ છેલ્લે સંબોધન કર્યું હતું.

ઠાકરેએ ભાજપ પર આરોપ લગાવતા પ્રહારો કર્યા કે, તેઓએ તેમની હિન્દુત્વની ઓળખ છોડી દીધી છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે ગુજરાતની અદાલતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા બદલ દંડ ફટકાર્યો. તેમણે ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.