મુઝફરપુરના સાંસદ અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

મુઝફરપુર, બિહારના મુઝફરપુરથી લોક્સભાના સભ્ય અજય નિષાદ મંગળવારે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે તાજેતરમાં તેમની ટિકિટ રદ કરી હતી. પાર્ટીએ તેમના સ્થાને રાજભૂષણ ચૌધરીને મુઝફરપુરથી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડા, બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ અને રાજ્ય પ્રભારી મોહન પ્રકાશે નિષાદનું પાર્ટીમાં સ્વાગત કર્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયનારાયણ નિષાદના પુત્ર અજય નિષાદે કહ્યું કે, મારે કોઈનો અહંકાર તોડવો છે અને મારું ગુમાવેલું સન્માન પાછું મેળવવું છે.

સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નિષાદને મુઝફરપુરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. કોંગ્રેસમાં જોડાતા પહેલા નિષાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર પોસ્ટ કરીને ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે નિષાદના કોંગ્રેસમાં જોડાવાથી પાર્ટીને મુઝફરપુર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત પછાત વર્ગના મતદારોનું સમર્થન મળશે અને સંગઠન પણ મજબૂત થશે. નિષાદે કહ્યું કે તેઓ સામાજિક ન્યાય સંબંધિત રાહુલ ગાંધીના વિઝનથી પ્રભાવિત છે.