મુઝફરપુરની ચીટફંડ કંપનીમાં મહિલા કર્મચારીઓ સાથે બળાત્કારની ઘટના બહાર આવી છે. ડીબીઆર નામની ચીટફંડ કંપનીના સંચાલકોએ લોકોને સભ્ય ન બનાવી શક્તાં મહિલા કર્મચારીઓ સાથે શરીરસંબંધ બાંધ્યો અને મારામારી પણ કરી હતી. એક પીડિતા કોઈ રીતે ચુંગાલમાંથી ભાગીને અમાનવીય કૃત્ય જાહેર કર્યું હતું. બુધવારે સીજેએમ કોર્ટમાં પીડિતાનું નિવેદન લેવાયા હતા.
સિટી એસપી અવધેશ દીક્ષિતના કહેવા પ્રમાણે અહિયાપુર પોલીસમાં ૨ જૂને નોંધાવાયેલી એફઆઇઆરમાં સારણમાં રહેતી યુવતીએ અનેક મહિલા કર્મચારીઓના જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. બીજી કોઈ યુવતીએ ફરિયાદ કરી નથી. જોકે વાસ્તવિક્તા એ છે કે જે પીડિતાઓએ પોલીસને ફરિયાદ કરી હતી તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. પીડિતાઓની સંખ્યા ઘણી વધુ હોવાનું મનાઈ રહ્યું છે.
કેસ-૧ : ખોટાં લગ્ન કરીને તેનું જાતીય શોષણ કરાયું હોવાનો મીનાપુરની એક પીડિતાએ બુધવારે આરોપ મૂક્યો હતો. ૨૦૨૧માં તેણે હાજીપુર મહિલા પોલીસમથકમાં ફરિયાદ કરી તો કંપનીની ટોળકીએ તેના પિતા અને ભાઈને માર્યા હતા.
કેસ-૨ : એક યુવતીએ જણાવ્યું હતું કે તે ગોપાલગંજમાં રહેતા હરેરામની સોશિયલ મીડિયા પોસ્ટ થકી કંપની સાથે જોડાઈ હતી. તે લોકોને સભ્ય ન બનાવી શકી તો તેને પટ્ટાથી મારી હતી અને બળાત્કાર કર્યો હતો.