- મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે વિદ્યાર્થીઓને સાતમો વાર્ષિક પોલિટેકનિક પ્રમાણપત્ર અને ચંદ્રક વિતરણ કરાયું.
- યુવાઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં હકારાત્મક, ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેમ છે – મંત્રી બચુભાઈ ખાબડ.
દાહોદ, આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની જુદી જુદી પોલિટેકનિકના વર્ષ 2022 -23 દરમ્યાન ઉતીર્ણ થયેલ વિધ્યાર્થીઓના સાતમા પ્રમાણપત્ર વિતરણ સમારોહ રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થીતીમાં તેમજ આણંદ કૃષિ યુનીવર્સીટીનાં કુલપતિ ડો. કે. બી. કથીરીયા ના અધ્યક્ષતામાં કૃષિ ઈંજનેરી પોલિટેકનિક, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે યોજાયો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ જણાવ્યુ હતું કે, આજના ડીજીટલ યુગમાં યુવાનો ટેકનોલોજી, ઇન્ટરનેટ તથા વિવિધ ડીજીટલ માધ્યમો દ્વારા વૈશ્ર્વિક કક્ષાએ જોડાઇને કારકિર્દી સહિત સમાજ ઉપયોગી ફરજો અદા કરી રહ્યા છે. જેના ખૂબ જ સારા પરિણામો આવનાર સમયમાં આપણને મળશે અને દેશના વિકાસમાં એક નવું સોપાન ઉમેરાશે એવો મને દ્રઢ વિશ્ર્વાસ છે. એક સુદ્રઢ અને આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં યુવાઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે યુવાઓ વિયારોનો સંપૂટ છે. જો યુવાઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં હકારાત્મક, ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેમ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે , હાલમાં ભારત દેશ G-ર0 ની અધ્યક્ષતા કરી રહ્યું છે. તે અંતર્ગત જુદા જુદા રાજયોમાં વસુધૈવ કુટુંબકમની થીમ હેઠળ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં G-20નાં સભ્યદેશોનાં પ્રતિનીધીઓ ભાગ લઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ G-20 ની અનેક મિટિંગ અને કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવેલ છે. હાલમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને સન્માન આપવા તેમજ તેઓને યાદ કરવા ગામે-ગામ મેરી મીટ્ટી-મેરા દેશ કાર્યક્રમ જાહેર કરેલ છે. જે અંતર્ગત દેશના દરેક ગામમાં તથા શહેરમાં દેશની આઝાદીની ચળવળમાં ભાગ લેનાર શહીદ વિરોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેઓના નામની ખાંભી ઉભી કરવાનો કાર્યક્રમ શરૂ કરેલ છે.
તેમણે જણાવ્યું કે, ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને સોઈલ હેલ્થ કાર્ડ જેવી ઘણી બધી યોજનાઓ શરૂ કરીને ખેડૂતોની ખાસ ચિંતા સરકાર કરી રહી છે.
આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદના કુલપતિ, ડો.કે.બી. કથીરીયા એ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને આશિર્વચન આપતા જણાવેલ કે દિનપ્રતિ દિન નવી નવી ટેકનોલોજી વિકસિત થતી જાય છે. તેને જોતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તેમના અભ્યાસની સાથે કૌશલ્ય વિકસિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તે ખુબજ જરૂરી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે આ કૃષિ અને તેને સંલગ્ન પોલિટેકનીક અભ્યાસક્રમોના મોડેલની નોધ પણ લેવાય છે. વધુમાં તેમને જણાવ્યું કે દાહોદ જીલ્લાના ખેડૂતોના હિતને ધ્યાને લઇ આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ કૃષિ અને તેને સલગ્ન વિષયો પર નવી ટેકનોલોજી પણ આણંદ કૃષિ યુનીવર્સીટી દ્વારા વિકસાવવામાં આવેલ છે. વધુમાં તેઓએ યુનિવર્સીટીની વિવિધ સિદ્ધિઓની માહિતી આપતા જણાવેલ કે યુનિવર્સીટી દ્વારા અનેક નવીન સંશોધનો હાથ ધરવામાં આવી રહેલ છે. ખાસ કરીને આણંદ કૃષિ યુનિવર્સીટીએ નેનો ફર્ટિલાઈઝર, પ્રાકૃતિક ખેતી, ટીસ્યુકલ્ચર, વગેરે નવીન આયમો ઉપર ખૂબ સારા સંશોધનો કરવામાં આવી રહેલ છે.
પ્રમાણપત્ર વિતરણ સમારોહની સાથે સાથે દાહોદ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં 31 પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનો નિદર્શન પણ યોજવામાં આવેલ હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા મુવાલીયા કેમ્પસ ખાતે સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હસ્તક સ્થાપવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ હેઠળના વિવિધ જીવંત એકમો જેવા કે જીવામૃત, ઘન જીવામૃત, અગ્નીઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ડેરી યુનિટ, બકારાપાલન, મરઘાંપાલન, વિગેરે એકમોની મુલાકાત લીધેલ હતી તેમજ મંત્રી દ્વારા આણંદ કૃષિ યુનીવર્સીટીનાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરીની પ્રસંશા કરી હતી. મંત્રી અને કુલપતિ દ્વારા યુનિવર્સિટીના કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી રહેલ પ્રયત્નોની બિરદાવવામાં આવેલ તેમજ દાહોદ જીલ્લાના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, ડો. એમ.કે.ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.બી.પટેલ,નિયામક, વિદ્યાર્થી કલ્યાણ, ડો. ડી. એચ. પટેલ; કુલસચિવ, ડો. જી. આર. પટેલ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યઓ, પ્રાધ્યાપકગણ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, તજજ્ઞો, પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર વિવિધ પોલીટેકનીકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.