’મુસ્લિમો માટે દેશ અસુરક્ષિત છે, મેં મારા દીકરા અને દીકરીને વિદેશમાં જ રહેવાનું કહી દીધું.: રાજદ નેતા

પટણા,

દેશમાં મુસ્લિમોની સ્થિતિ વિશે સતત ચર્ચા થઈ રહી છે. ક્યારેક વસ્તીને લઈને તો ક્યારેક સુરક્ષાને લઈને. હવે બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મુસ્લિમોની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન સિદ્દીકીએ આ નિવેદન આપ્યું હતું. દેશના વાતાવરણને મુસ્લિમો માટે અસુરક્ષિત માનીને તેણે વિદેશમાં ભણતા પોતાના બાળકોને સલાહ પણ આપી હતી.

રાજદના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અબ્દુલ બારી સિદ્દીકી દેશમાં મુસ્લિમોની સ્થિતિને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે દેશ મુસ્લિમો માટે અસુરક્ષિત બની ગયો છે. દેશમાં મુસ્લિમો માટે વાતાવરણ ખરાબ છે, તેથી મેં વિદેશમાં ભણતા મારા બાળકોને દેશમાં પાછા ન ફરવાની સલાહ આપી છે.

અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું, ‘મારો એક પુત્ર છે જે હાર્વર્ડ યુનિવસટીમાં અભ્યાસ કરે છે અને એક પુત્રી છે જે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પાસ આઉટ છે. દેશની વર્તમાન પરિસ્થિતિમાં અમે અમારા દીકરા-દીકરીઓને ત્યાં નોકરી કરવા કહ્યું. નાગરિક્તા મળે તો લઈ લો. ભારતમાં હવે એવું વાતાવરણ બચ્યું નથી. ખબર નથી કે તમે લોકો સહન કરી શકશો કે નહીં. પૂર્વ મંત્રી સિદ્દીકીએ કહ્યું કે તમે સમજી શકો છો કે કોઈ કેટલી મુશ્કેલીમાં પોતાના બાળકોને આ વાતો કહેશે કે તેઓ પોતાનો દેશ છોડી દે.

દેશમાં એવો સમય આવી ગયો છે કે મારે મારા બાળકોને આ કહેવું પડ્યું. તેમણે તાજેતરમાં બિહારમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. જેડીયુના વરિષ્ઠ નેતા દેવેશ ચંદ્ર ઠાકુરના સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે અબ્દુલ બારી સિદ્દીકી આરજેડીના વરિષ્ઠ નેતા છે. તેમને વિશ્ર્વાસપાત્ર અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નજીકના માનવામાં આવે છે. સિદ્દીકી ૨૦૦૭માં બિહાર આરજેડીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સાથે ૨૦૧૦માં તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ બિહાર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.