દેશમાં મુસ્લિમો વિરુદ્ધ ગૌ રક્ષકો દ્વારા હિંસાની વધી રહેલી ઘટનાઓ અને મોબ લિંચિંગને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને છ રાજ્યોના પોલીસ વડાઓને નોટિસ પાઠવી છે. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ નોટિસ જારી કરી હતી. અરજીમાં છેલ્લા છ મહિનામાં સામે આવેલા કેસ માટે વળતરની માંગ કરવામાં આવી છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલ સંગઠન નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. અરજીમાં ૨૦૧૮માં તહસીન પૂનાવાલા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટને તમામ રાજ્યોને ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.
આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ ૬ રાજ્યો હરિયાણા, મયપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા અને મહારાષ્ટ્રને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે અમે નોટિસ જારી કરીશું. મહિલા સંગઠને મોબ લિંચિંગમાં પુરુષોની હત્યા બાદ પાછળ છોડી ગયેલી પરિવારની મહિલાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. અરજદારોના વકીલ કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલતને આ મામલાને હાઈકોર્ટમાં ન મોકલવા વિનંતી કરી હતી.
કપિલ સિબ્બલે કહ્યું કે છેલ્લી વખત જ્યારે તેઓ ટોચની અદાલતમાં પહોંચ્યા ત્યારે તેમને ઉચ્ચ અદાલતોમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. સિબ્બલે કહ્યું, જો આવું થશે તો મારે વિવિધ હાઈકોર્ટમાં જવું પડશે, પરંતુ પીડિતોને શું મળશે? દસ વર્ષ પછી બે લાખનું વળતર. મોબ લિંચિંગ સંબંધિત તહસીન પૂનાવાલા કેસમાં ૨૦૧૮ના ચુકાદા છતાં આ છે. મારી પાસે શું ઉપાય છે, હું ક્યાં જઈશ. આ પછી, બેન્ચે, સુનાવણીની માંગને મંજૂર કરતી વખતે, સિબ્બલને કહ્યું કે તે અરજી પર સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી રહી છે.