મુસ્લિમ દેશોએ એક સાથે આવીને ઇઝરાયેલનો બહિષ્કાર કરવો પડશે : ઇરાન

તહેરાન,ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના અચાનક ઇઝરાયેલ પર હુમલાનો જવાબ હવે ઇઝરાયેલ આપી રહ્યું છે. આ વચ્ચે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખુમૈનીએ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ સામે એક થવા આહવાન કર્યું છે. ઇરાનના સુપ્રીમ લીડરે કહ્યું કે, મુસ્લિમ દેશોએ એક સાથે આવીને ઇઝરાયેલનો આર્થિક બહિષ્કાર કરવો પડશે ત્યારે જ હમાસ પર હુમલા રોકાશે.

ઇરાનના સુપ્રીમ લીડરે મુસ્લિમ દેશોને ઇઝરાયેલનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. અયાતુલ્લા ખામેનીએ કહ્યું કે, મુસ્લિમ સરકારો ઇઝરાયેલને મોકલવામાં આવતા ઇંધણ સહિત બીજી જરૂરી વસ્તુઓની સપ્લાયને રોકી નાખે.

ઇરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું કે મુસ્લિમ દેશોએ આ ના ભૂલવું જોઇએ કે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન હંમેશા ઇસ્લામ વિરૂદ્ધ ઉબા થયા છે અને તેમણે પેલેસ્ટાઇનને દબાવ્યુ છે. મુસ્લિમ દેશોએ સમજવું જોઇએ કે આ માત્ર ઇઝરાયેલ વિશે નથી પણ તે દેશો સાથે પણ જોડાયેલો મુદ્દો છે જેના ઇઝરાયેલ સંપર્કમાં છે.

ઇરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું કે જીત દૂર નથી, તે પેલેસ્ટાઇનીઓની જ થશે. અયાતુલ્લા ખામેનીએ એમ પણ કહ્યું કે ઇંગ્લેન્ડ, ફ્રાંસ, અમેરિકા વગેરે પણ ઇઝરાયેલ અને યૂએસ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થયા છે. ખામેનીએ દાવો કર્યો કે યુદ્ધને કારણે આખી દુનિયામાં અમેરિકા અને ઇઝરાયેલની છબીને નુક્સાન થયું છે.

ગાઝા પટ્ટી પર જબાલિયા શરણાર્થી શિબિરમાં થયેલા હવાઇ હુમલાની સાઉદી અરબે ટિકા કરી છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું, હુમલાને કારણે મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ એક નિંદનીય કૃત્ય છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇઝરાયેલના હુમલામાં હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયનના કમાન્ડર ઇબ્રાહિમ બિયારી સહિત અનેક લોકોના મોત થયા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ ઉપર હમાસે હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૪૦૦ ઇઝરાયેલી માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે પછી ઇઝરાયેલે જડબાતોડ જવાબ આપતા હમાસ પર હુમલો કર્યો હતો જેમાં બન્ને તરફ ૧૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે.