મુસ્લિમ દેશે ફરી ગરીબ પાકિસ્તાને આર્થીક રીતે મદદ કરી

ઈસ્લામાબાદ,રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સાઉદી અરેબિયા પાસેથી વધારાના બે અબજ ડૉલરના ધિરાણ માટે મંજૂરી મળી છે, જે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી અત્યંત જરૂરી રાહત પેકેજ મેળવવામાં મદદ કરશે. સ્થાનિક અખબાર ’ધ ન્યૂઝ’માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સાઉદી પ્રશાસન આ સંબંધમાં જાહેર જાહેરાત કરવા જઈ રહ્યું છે.

આ જાહેરાત કદાચ વડાપ્રધાન શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની આગામી મુલાકાત દરમિયાન થશે. અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાના રાજદૂતે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેમના દેશે હંમેશા પાકિસ્તાનને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ કરી છે અને સારા સમાચાર ટૂંક સમયમાં આપવામાં આવશે.

પાકિસ્તાન સરકાર હવે બેલઆઉટ પેકેજ પર આઇએમએફ સાથે કર્મચારી સ્તરના કરાર તરફ આગળ વધવા માટે સંયુક્ત આરબ અમીરાત તરફથી વધારાની ૧ બિલિયન ડિપોઝિટ પર ચકાસણીની આતુરતાથી રાહ જોઈ રહી છે આઇએમએફે એવી શરત મૂકી છે કે, સાત અબજ ડૉલરના રાહત પેકેજની પુન:સ્થાપના માટે પાકિસ્તાને અન્ય દેશો પાસેથી ત્રણ અબજ ડૉલરની રકમ ડિપોઝિટ તરીકે લેવી પડશે.

અખબાર ’ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયા તરફથી આ મદદ એવા ગંભીર સમયે આવી રહી છે જ્યારે ૨૦૧૯માં હસ્તાક્ષર કરાયેલ કાર્યક્રમ ૩૦ જૂન, ૨૦૨૩ના રોજ સમાપ્ત થવાનો છે. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, આ કાર્યક્રમને નિર્ધારિત સમય મર્યાદાથી આગળ વધારી શકાશે નહીં.

જોકે, ’ધ ન્યૂઝ’ના અહેવાલ મુજબ, કાર્યક્રમને ત્રણથી છ મહિના લંબાવવાની શક્યતાઓ છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ ચર્ચા કે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા મહિને તેના ’સૌથી મોટા સાથી’ ચીને પણ પાકિસ્તાનને બે અબજ ડોલરની લોન આપી હતી.