મુસ્લિમ દેશ UAEમાં બની રહેલા ભવ્ય હિન્દુ મંદિર પર ‘મહાભારત’

  • દુબઈ શહેરમાં બની રહ્યુ છે ભવ્ય હિન્દુ મંદિર
  • જેને લઇ સોશિયલ મીડિયામાં ‘મહાભારત’ શરૂ થઈ ગયું છે
  • મંદિરનું 4 ઓક્ટોબરના રોજ અનાવરણ કરવામાં આવશે

સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરમાં બની રહેલા ભવ્ય હિન્દુ મંદિર પર સોશિયલ મીડિયા પર ‘મહાભારત’ શરૂ થઈ ગયું છે.

દુબઈના આ આલીશાન મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવશે. આ મંદિરનું લોકાર્પણ 4 ઓક્ટોબરે ભવ્ય રીતે કરવામાં આવશે. મુસ્લિમ દેશ UAEમાં હિન્દુ મંદિરના નિર્માણના સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા બાદ હોબાળો મચી ગયો છે અને કટ્ટરપંથીઓ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હિન્દુ સમુદાયના લોકો UAEના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ આ મંદિર 5 ઓક્ટોબરે દશેરાના દિવસે દુનિયા માટે ખોલવામાં આવશે. સિંધુ ગુરુ દરબાર મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફે આ વાતની પુષ્ટિ કરી છે. આ મંદિર દુબઈના જેબેલ અલી વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શીખ ગુરુદ્વારા અને અનેક ચર્ચ પણ છે. આ મંદિરના અનાવરણ દરમિયાન UAE સરકારના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહેશે. આ મંદિરમાં લગ્ન, હવન અને અન્ય ખાનગી કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે.

હસન સજવાનીના ટ્વીટને ઘણી લાઈક્સ મળી રહી છે

આ મંદિર ઘણું મોટું છે અને એક સમયે 1000 થી 1200 ભક્તો મંદિરમાં પૂજા કરી શકશે. આ મંદિરની તસવીરો UAEના રહેવાસી હસન સજવાનીએ ટ્વિટર પર શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ જ્યાં હિન્દુઓ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે, ત્યાં કટ્ટરવાદીઓ ગુસ્સે થયા છે. ફૈઝલ ​​ખાને લખ્યું છે કે, ‘ભાજપના ઉગ્રવાદી હિંદુઓ ભારતમાં મસ્જિદોને તોડી રહ્યા છે અને UAEના લોકો દેશમાં હિન્દુઓ માટે મંદિરો બનાવી રહ્યા છે. તમારા રાજાને કેટલા પૈસાની જરૂર છે? આની પાછળ વ્યાપારી હિત છે.