
નવીદિલ્હી,જાતિના નામે નફરત અને ભેદભાવથી બચવા દલિત સમાજનો મોટો હિસ્સો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં જોડાયો હતો. આ બંને ધર્મો વિશે કહેવામાં આવે છે કે અહીં કોઈ જાતિ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં તેમની સાથે જોડાયેલા દલિતોને અનામતનો લાભ મળવો જોઈએ? સુપ્રીમ કોર્ટે આવા તમામ પ્રશ્ર્નો પર વિચાર કરવા સંમતિ આપી છે.
સર્વોચ્ચ અદાલતે આ માંગને લઈને દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી જુલાઈમાં કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે ધર્માંતરિત દલિતો માટે અનામતની માંગને લઈને નવા પંચના અહેવાલની રાહ જોવાનું કહ્યું છે. તેમણે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, પરંતુ નવા આયોગની રચના કરી છે.
સરકારનું કહેવું છે કે, પૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલક્રિષ્નનની અધ્યક્ષતામાં આ મામલે એક કમિશનની રચના કરવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, સરકારના અભિપ્રાયની વિરુદ્ધ કેટલીક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં કોર્ટને રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટના આધારે જ નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. આ અરજદારોએ કહ્યું કે, અદાલતે આ મુદ્દે વિલંબ કરવા માટે આયોગ પછી આયોગ બનાવતી સરકારની રાહ જોવી જોઈએ.
રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટમાં ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા દલિતોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. તેના પર કેન્દ્ર સરકારે ડિસેમ્બરમાં કોર્ટને કહ્યું હતું કે, આ રિપોર્ટ સાચો નથી અને બંધ રૂમમાં બેસીને તૈયાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, રંગનાથ મિશ્રા પંચની રચના ઓક્ટોબર ૨૦૦૪માં કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ ૨૦૦૭માં આવ્યો હતો. રંગનાથ મિશ્રા દેશના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે. તેમણે દેશમાં ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓ પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં ધર્માંતરિત દલિતોને પણ અનામત આપવાની સલાહ આપવામાં આવી હતી.