મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન મચી નાસભાગ,૭ લોકોએ ગુમાવ્યા જીવ

આફ્રિકન દેશ કોંગોમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ નાસભાગ ૮૦ હજાર દર્શકોની ક્ષમતાવાળા ડેસ માર્ટર્સ સ્ટેડિયમમાં થઈ હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા કિંશાસાના ગવર્નર ડેનિયલ લુમુમ્બાએ કહ્યું કે આ સ્ટેડિયમ કિંશાસાની મયમાં આવેલું છે. આ કાર્યક્રમમાં કોંગોના પ્રખ્યાત ગાયક માઈક કલાંબાઈ પરફોર્મ કરી રહ્યા હતા.

કોંગોની સરકારી ટીવી ચેનલ અનુસાર, આ નાસભાગમાં ૭ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘાયલોને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. શા માટે નાસભાગ મચી? આ અંગે અધિકારીઓએ કંઈપણ કહેવાનો ઈક્ધાર કર્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન કરતી સ્થાનિક મ્યુઝિક કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા અધિકારીઓએ સુરક્ષા કારણોસર કેટલાક તોફાનીઓને પ્રવેશતા અટકાવ્યા ત્યારે અરાજક્તા ફાટી નીકળી હતી. મ્યુઝિક કંપની મજબુ ગોસ્પેલે એક નિવેદન જારી કરીને કહ્યું કે કોન્સર્ટમાં ૩૦ હજાર લોકોએ હાજરી આપી હતી. જેમાં ઘણા કલાકારો અને પાદરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમની બહાર બેરિકેડ્સની સામે એક મોટી ભીડ જોવા મળી હતી જેઓ સ્ટેડિયમમાં પ્રવેશવા માંગતા હતા. સ્ટેડિયમની અંદર કેટલાક લોકો હતા જે સ્ટેજ તરફ દોડી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આફ્રિકન દેશ કોંગોમાં આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે. તમામ ઘટનાઓમાં નબળી સુરક્ષા વ્યવસ્થાના કારણે નાસભાગ મચી છે. ઓક્ટોબર ૨૦૨૩માં આ જ સ્ટેડિયમમાં કોન્સર્ટ દરમિયાન ૧૧ લોકોના મોત થયા હતા.