નવીદિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે ટ્વિટર પર એક લેટર શેર કરતા નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે લેટરમાં પોતાના ફેન્સ અને ટીમ ઈન્ડિયાનો આભાર માન્યો છે. વિજયને વનડે ફોર્મેટમાં ભારત માટે વધુ રમવાની તક મળી નહીં. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટમાં ૬૧ મેચ રમી છે. આ દરમિયાન વિજયે ૧૨ સદી ફટકારી હતી. વિજયના નામે એક ખાસ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલો છે. તેણે ભારત માટે રમતા ટેસ્ટમાં ચેતેશ્ર્વર પુજારા સાથે મળીને બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી.
મુરલી વિજયે ભારત માટે વર્ષ ૨૦૦૮માં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે અત્યાર સુધી કુલ ૬૧ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૩૮.૩ની એવરેજથી ૩૯૮૨ રન ફટકાર્યા છે. મુરલી વિજયના નામે ૧૨ ટેસ્ટ સદી છે. મુરલી વિજયે ભારત માટે ૧૭ વનડે મેચમાં ૩૩૯ રન ફટકાર્યા હતા. મુરલી વિજયે ભારત માટે ૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે ૧૮.૮ની એવરેજ અને ૧૦૯.૭ની સ્ટ્રાઇક રેટથી ૧૬૯ રન ફટકાર્યા હતા.
હકીક્તમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૩માં ટેસ્ટ સિરીઝ રમાઈ. આ સિરીઝની બીજી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટના નુક્સાનની સાથે ૨૩૭ રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા માટે મુરલી વિજય અને સેહવાગ ઓપનિંગ કરવા પહોંચ્યા. વીરૂ માત્ર છ રન બનાવી આઉટ થયો હતો. સેહવાગ આઉટ થયા બાદ પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. પુજારા અને વિજય વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. આ બંનેએ ૩૭૦ રન બનાવ્યા. આ ભારત માટે બીજી વિકેટ માટે સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી રહી.