દાહોદ, તાજેતરમાં યુરોપિયન દેશ ઈટલીમાં “આતંકવાદ અને અનૈતિક તોડફોડનો સામનો કરવા” સંદર્ભે તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. જેમાં મૂળ દાહોદના યુવાન આઈ.પી.એસ. ઓફિસરને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.
પંજાબના તરન તારણ, મોગા, મુક્તસર અને હોંશિયારપુર ખાતે SSP તરીકે ફરજનિયુક્ત રહી ચુકેલાં ગુજરાતના પ્રથમ IPS ઓફિસર ધ્રુમન નિંબાળે દેશની આંતરિક સુરક્ષાની અગ્રીમ સંસ્થા અને ખૂબ જ પ્રતિષ્ઠિત એવી NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)માં જુલાઈ 2022 થી નિયુક્ત થયા છે. દાહોદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અશોકભાઈ રાવ) નિંબાળેના સુપુત્ર એવા IPS ધ્રુમન નિંબાળેએ દેશના પ્રતિનિધિ તરીકે સહભાગી થઈ, સમગ્ર વિશ્ર્વના 21 સહભાગી દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની આ ગૌરવવંતી તકને ઝડપીને આતંકવાદ અને અનૈતિક તોડફોડનો સામનો કરવા સંદર્ભે આયોજીત વિષય ઉપર સબળ રજુઆત કરી પોતાની સહભાગિતાને સાર્થક પુરવાર કરી હતી.
ઈ.સ.2010 માં ભારતભરના 4.50 લાખ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 889 (જેમાં પણ ગુજરાતના તો વળી માત્ર 14 જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.) તેવા સદ્દનસીબોમાં ભારતભરમાં 300 મો રેન્ક ધરાવી આ ખૂબ અઘરા ટાસ્કને જ્વલંત સફળતા મેળવી ઉત્તીર્ણ કરનાર મૂળ દાહોદના પ્રથમ IPS એવા ધ્રુમન નિંબાળેએ આ પરિષદમાં ભાગ લઈને દાહોદનું નામ ઉજ્જ્વળ કર્યું છે.