મુનપુર કોલેજ ખાતે “ભારતીય સાહિત્ય : આસ્વાદ ઔર સમીક્ષા” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

લુણાવાડા,

મહીસાગર જિલ્લાના મુનપુર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને એમ.જી.એસ. કેળવણી મંડળ સંચાલિત સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે “ભારતીય સાહિત્ય-આસ્વાદ ઔર સમીક્ષા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખ ડો. હિરેન પંડ્યાની અધ્યક્ષતામાં મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મ ડો. પ્રવીણ દરજીના બીજરૂપ વક્તવ્યથી પરિસંવાદનો પ્રારંભ થયો હતો. આ પરિસંવાદમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અને એક્ઝામ ક્ધટ્રોલર સંજીવકુમાર દુબે, ડો.ઓમપ્રકાશ શુકલ, ડો.યશવંત શર્મા, ડો.પરેશ પારેખ તથા ગુજરાતી ગઝલના ખ્યાતનામ સજેક ડો.જૈમિની શાસ્ત્રી સહિત ગણમાન્ય વક્તાઓએ સમગ્ર સેમિનારને માહિતી સભર બનાવ્યો હતો. આ પરિસંવાદ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં વિશિષ્ટ કૃતિઓના આસ્વાદ અને સમીક્ષા પર કેન્દ્રિત કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી વિષયના શિક્ષકો, સંશોધકો અને સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તમામ ભાષા-સાહિત્યપ્રેમીઓએ ભાગ લીધો હતો અને તેમને સંશોધક વિષયને લગતું પોતાનું સંશોધન પેપર રજૂ કરવાની તક મળી હતી. સંયોજક ડો. સુશીલા વ્યાસ અને આચાર્ય ડો. મહેશ મહેતાએ સૌ મહાનુભાવો અને સહભાગીઓને આવકારતા અંતરિયાળ વિસ્તારમાં રાષ્ટ્રીય પરિસંવાદની તક બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કર્યો હતો.