મુંબઇ, બિગ બોસ ૧૭ વિનર મુનવ્વર ફારૂકી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે એક વિવાદમાં ફસાવાના કારણે ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસે પહેલા તે હુક્કા પાર્લરમાં હુક્કા પીતો જોવા મળ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે મુંબઇના મોહમ્મદ અલી રોડ પર મુનવ્વર ફારૂકી અને પબ્લિક વચ્ચે બબાલ થઇ હોવાની વાત સામે આવી છે. જેમાં કોમેડિયન પર ઇંડા ફેંકવામાં આવ્યા છે. ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુનવ્વર ફારૂકી પણ ગુસ્સે ભરાયો હતો, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
મુનવ્વર ફારૂકી મુંબઇના મોહમ્મદ અલી રોડ પર એક રેસ્ટોરન્ટ માલિક દ્વારા કથિત રૂપે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ કેમેરા પર ગુસ્સે થતા જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે મિનારા મસ્જિદમાં તેનો એક રેસ્ટોરન્ટ માલિક સાથે ઝઘડો થઇ ગયો હતો. આ મામલો હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. એકસ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં મુનવ્વર ફારૂકી રેસ્ટોરન્ટના માલિક પર ભડક્તો જોવા મળી રહ્યો છે. આસપાસ વધારે ભીડ છે. મુનવ્વરને તેના સિક્યોરિટી ગાર્ડ્સે જકડી રાખ્યો છે. સ્થિતિ જોઇને એવું લાગી રહ્યું છે કે, ફારૂકી ગુસ્સામાં લાલચોળ થઇ ગયો છે.
રિપોર્ટ અનુસાર, આરોપીઓએ મુનવ્વર ફારૂકીને મિનારા મસ્જિદ ક્ષેત્રમાં પોતાની રેસ્ટોરન્ટમાં આમંત્રિત કર્યો હતો. પરંતુ તે તેની નજીકમાં આવેલી અન્ય જગ્યાએ જમવા ચાલ્યો ગયો. તેનાથી તે રેસ્ટોરન્ટનો માલિક અને સ્ટાફ ગુસ્સે ભરાયા અને તેમણે મુનવ્વર પર ઇંડાથી એટેક કરવાનું શરૂ કરી દીધું. લેટેસ્ટ અપડેટ અનુસાર, રેસ્ટોરન્ટના માલિક અને તેના ૫ સ્ટાફના સભ્યો પર અરાજક્તા પેદા કરવા અને મુનવ્વર પર કથિત રૂપે ઇંડા ફેંકવાનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.
જો કે આ મામલે મુનવ્વર ફારૂકી તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. જણાવી દઇએ કે, તેની પહેલા મુનવ્વરને હુક્કા પીતા સ્પોટ કરવામાં આવ્યો હતો, જ્યારે તે એક હુક્કા પાર્લરમાં હુક્કો પી રહ્યો હતો. તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, થોડી વારમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો, કારણ કે આ જામીનપાત્ર ગુનો છે. વર્ષ ૨૦૨૧માં મુનવ્વર ઇન્દોરની સેન્ટ્રલ જેલમાં એક મહિનાથી વધુ સમય રહ્યો હતો. તેના પર હિન્દુ કમ્યુનિટીને હર્ટ કરવાનો આરોપ હતો.