અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે લોક્સભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ ફરી બેઠુ થવાનો પ્રયાસ કરી કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ હવે અમદાવાદનો વારો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસમાં વિપક્ષના નેતા બદલવા અંગે તખતો તૈયાર થઈ રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોની બેઠક બાદ જલ્દી જ આ નિર્ણય લેવાઈ શકે છે.
મ્યુનિસિપલમાં વિપક્ષના નેતા તરીકે અન્ય કોર્પોરેટરને તક આપવા માટે હાલ ચર્ચા ઉઠી છે. આગામી દિવસોમાં પ્રમુખનો મામલો લઈ પુરાવા સાથે રજૂઆત કરવા બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ સામે નેતા બદલવા ૧૪ કોર્પોરેટર રજૂઆત કરશે.
વિપક્ષના નેતાની સાથે વિપક્ષ દંડકને પણ બદલવા માટે ચર્ચા ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં આંતરિક રાજકીય હુંસાતુંસી ચાલી રહી છે. આ કારણે અમદાવાદ મ્યુનિસિપલમાં એક વર્ષ સુધી કોઈ વિપક્ષ નેતાની નિમણૂંક કરી શકાઈ ન હતી. કોંગ્રેસ તરફથી મ્યુનિસિપલના વિપક્ષના નેતા પદ પર જાન્યુઆરી ૨૦૨૨ માં ભારે વિવાદ થયો હતો. ૨૪ પૈકી માત્ર ૧૦ કોર્પોરેટરનો ટેકો ધરાવતા દાણીલીમડાના કોર્પોરેટરને વિપક્ષ નેતા તથા દરિયાપુરના કોર્પોરેટરને ઉપનેતા બનાવવામાં આવ્યા હતા. તેના બાદથી દોઢ વર્ષના સમયમાં મ્યુનિસિપલમાં કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું. નવા વિપક્ષના નેતા માટે કોર્પોરેટરની અનેકવાર બેઠકો મળી છે. તો બીજી તરફ, નવા પ્રદેશ પ્રમુખને વિપક્ષના નેતા એક વર્ષ બાદ બદલાશે તેવુ પક્ષ તરફથી આપવામા આવેલું પ્રોમિસ હવે પાળવા માટે પુરાવા સાથે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા પદ મેળવવા માટે કોંગ્રેસના અનેક નેતા તલપાપડ છે. ચાંદખેડાવ વોર્ડના રાજશ્રી કેસરી, ગોમતીપુર વોર્ડના ઈકબાલ શેખ તથા નિરવ બક્ષીના નામની ચર્ચા ચાલી રહી છે.