મુન્દ્રા પોર્ટ પરથી સાઉથ આફ્રિકા મોકલવા માટેની ૧૧૦ કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાઈ

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા ચાર કન્ટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત ૧૧૦ કરોડ રૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટના મર્ચન્ટ એક્સપોર્ટર દ્વારા જુલાઈ મહિનાના અંતમાં સાત કન્ટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યા હતા. જોકે મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને માહિતી મળી જતા ત્રણ કન્ટેનરો જપ્ત કર્યા હતા.

જેમાં ૧૦૦ કરોડની પ્રતિબંધિત ટેબલેટો મળી આવી હતી આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમને એવી માહિતી મળી હતી કે, અગાઉ ચાર કન્ટેનરો સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે કસ્ટમ વિભાગે સાઉથ આફ્રિકાના પોર્ટનો સંપર્ક કરીને ચાર કન્ટેનરો પરત મોકલવા લેખિતમાં જાણ કરી હતી. આ ચાર કન્ટેનરો મુન્દ્રા કસ્ટમમાં પરત આવતા કસ્ટમ વિભાગે ચાર કન્ટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત ૧૧૦ કરોડ થવા માટે જાય છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૧૦ કરોડની પ્રતિબંધિત દવાઓ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.

અતિ મહત્વની બાબત એ છે કે ચાર કન્ટેનર નીકળી ગયા છતાં કસ્ટમ વિભાગને જાણ થઈ નહીં. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને કસ્ટમ વિભાગે ગાંધીધામ,રાજકોટ અને ગાંધીનગરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ પ્રતિબંધિત ટેબલેટ નાર્કોટિક્સ એક્ટમાં આવતી હોવાથી એક્સપોર્ટ કરી શકાતી નથી. તેમ છતાં અન્ય દવાઓના નામના ડેકલેરેશન કરીને પ્રતિબંધિત દવાઓ એક્સપોર્ટ કરવામાં આવતી હતી. આ દવાઓનો ઉપયોગ સાઉથ આફ્રિકાના જંગલોના રક્ષણ માટે ફરજ બજાવતા કમાન્ડો ઉપયોગ કરતા હોય છે જેના કારણે એ લોકોની ફિટનેસ સારી રહે છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે તેમ જ તેઓને ઊંઘ આવતી નથી.

આ દવાઓનો ઉપયોગ આતંકવાદી સંગઠનો પણ કરતા હોય છે. કસ્ટમ વિભાગને આશંકા છે કે, અત્યાર સુધીમાં ૫૦૦ કરોડની પ્રતિબંધિત દવાઓ દરિયાઈ માર્ગે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે આ પ્રતિબંધિત દવાઓ સાઉથ આફ્રિકામાં કોને આપવામાં આવતી હતી અને તેના પેમેન્ટ પણ કેવી રીતે લેવામાં આવતા હતા તેની તપાસ ચાલી રહી છે. જો કે સમગ્ર તપાસમાં હવાલા કૌભાંડ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ કોઈની ધરપકડ કરાઈ નથી તેમ છતાં નજીકના દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અગાઉ પણ મુન્દ્રા માંથી ૧૦૦૦ કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું હતું.