
અમદાવાદ,
શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જે આધારે પોલીસે દુષપ્રેરણા નો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકે સ્યુસાઇડ નોટમાં આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન.. મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે…માત્ર સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરી લેતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
શહેરના ઠક્કરનગરમાં રહેતા અરવિંદભાઈ વેકરીયા તેમના પત્ની દીકરા સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. ગત ૨૭ જાન્યુઆરીના રોજ સવારે તેમનો દીકરો સુભાષ તેની દુકાન કે જે નિકોલ ખાતે આવેલી છે ત્યાં ગયો હતો અને બે વાગ્યાની આસપાસ ઘરે આવી જમીને પરત દુકાને ગયો હતો. પરંતુ સાંજે મોડા સુધી સુભાષ ઘરે પરત આવ્યો નહોતો. જેથી અરવિંદભાઈએ રાત્રે સુભાષને ફોન કરતા તે ફોન ઉપાડતો નહોતો. જેથી અરવિંદભાઈએ તેમના નાનાભાઈ તથા અન્ય તથા સંબંધીઓને જાણ કરી હતી. પરંતુ સુભાષ ઘરે આવ્યો નહોતો.
જેથી તે રાત્રે તેઓ સુભાષની દુકાને કામ કરતા ધ્રુવને ફોન કરી કહ્યું હતું કે, સુભાષ ફોન ઉપાડતો નથી તેનો ફોન દુકાનમાં તો નથી ને તારી પાસે બીજી એક દુકાનની ચાવી છે તો દુકાને લઈને આવ કહીને અરવિંદભાઈ દુકાને જવા નીકળી ગયા હતા. ત્યારબાદ અરવિંદભાઈ અને ધ્રુવ દુકાને પહોંચ્યા હતા. જ્યાં ધ્રુવે દુકાનનું અડધું શટર ખોલીને જોયું અને શટર બંધ કરી અરવિંદભાઈ ને ઘરે જવા કહ્યું હતું અને તેઓના અન્ય સગા સંબંધીને જાણ કરવા લાગ્યો હતો. જેથી કંઈક અજુગતું બન્યું હોય તેવું અરવિંદભાઈને લાગ્યું હતું અને તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા.
રાત્રે અરવિંદભાઈના ભાઈએ તેઓને જણાવ્યું કે, તેમના દીકરા સુભાષે દુકાનમાં સિલિંગ ફેનના હુકમાં રસી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે અને સુભાષના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સુભાષે લખ્યું હતું કે મારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે, મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં. આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન….મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા. તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે. ડાયરીમાં ના ખબર પડે તો જયેશભાઈ ને કહેજો. આઈ લવ યુ જયેશભાઈ. મારી આધ્યા નું યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય… મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.
ઉપરોક્ત લખાણને આધારે પોલીસને જાણ કરાતા સુભાષભાઈના પરિવારજનોએ સુભાષભાઈનું મોત તેની પત્ની પીનલના કારણે થયું હોવાનું પોલીસને જણાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક સુભાષભાઈની પત્ની પીનલ લગ્નના છ માસ બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી અને કોઈપણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેના ચઢામણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઈની સાથે વાતો કરતી નહોતી અને કોઈ પણ પ્રસંગોમાં આવતી નહોતી.
પિનલ અવારનવાર તેના પિયર જતી રહેતી હતી અને એકવાર સમાધાન કરી તેને સાસરિયાઓ તેડી લાવ્યા હતા. પીનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી અને પિયરમાં વધુ રહેતી હતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા ૨૯ જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી. પરંતુ તે પહેલા ૨૭મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈની પત્ની સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.