મુંબઇ, છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ તણાવનું કારણ બની રહ્યું છે. ઘણી વખત એકયુઆઇ લેવલ ૫૦૦ને પાર કરી જાય છે અને દિવાળીની આસપાસ રાજધાનીમાં શ્ર્વાસની સમસ્યા ગંભીર બની જાય છે. પરંતુ દેશની આથક રાજધાની મુંબઈમાં પણ ઘણા વર્ષોથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. આ વર્ષે એવી જગ્યાએ ઘણા દિવસો ખૂબ નબળા એકયુઆઇ રહ્યા છે જ્યાં હવા સામાન્ય રીતે સ્વચ્છ છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રથી લઈને કેન્દ્ર સરકાર સુધી દરેક સક્રિય થઈ ગયા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક ટીમ મુંબઈ મોકલશે, જે ત્યાંના વાયુ પ્રદૂષણની સ્થિતિને સમજશે અને તેની સાથે નિપટવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરશે.
તાજેતરમાં, મોદી સરકાર દ્વારા મહારાષ્ટ્ર સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં તેણે રાજ્યને પૂછ્યું હતું કે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં મુંબઈની હવાની ગુણવત્તા ઘણી ખરાબ રહી છે. સામાન્ય રીતે અહીં એકયુઆઇ ૧૦૦ થી ઓછો હતો, પરંતુ તાજેતરમાં આ આંકડો ૧૫૦ થી ૨૦૦ સુધી પહોંચ્યો છે. જેના કારણે મુંબઈગરાઓ પણ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા છે. ખાસ કરીને શ્ર્વાસના રોગોથી પીડાતા દર્દીઓ અને હૃદયના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મુંબઈની ખરાબ હવાની ગુણવત્તાને યાનમાં રાખીને,બીએમસીએ તાજેતરમાં કેટલાક પગલાં લીધાં હતાં. બીએમસીએ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને નોટિસ મોકલી છે. તેઓને જરૂરી કામો સિવાય બાંધકામ બંધ કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ પર કામ કરતી કંપનીને હવા પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ પણ મોકલવામાં આવી છે. ૨૦૨૨ની સરખામણીમાં આ વર્ષે મુંબઈમાં એકયુઆઇ સ્તરમાં ૪૨ ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે હવામાં મળેલા પીએમ ૨.૫ કણો ફેફસામાં જઈને સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.
હવાની ગુણવત્તા સુધારવા માટે, બીએમસીએ શહેરની ૩૫૦ સરકારી બસોમાં એર ફિલ્ટર લગાવ્યા છે. આ ઉપરાંત, ભરચક સ્થળોએ વર્ચ્યુઅલ ચીમની પણ સ્થાપિત કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ પાણીનો છંટકાવ કરવા માટે ૩૦ વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમોને પણ ચીમનીની ઊંચાઈ થોડી વધારવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ દરમિયાન દિલ્હીમાં સંકટ ઘેરી બની રહ્યું છે. સોમવારે, આ સતત પાંચમો દિવસ છે જ્યારે એકયુઆઇ સ્તર ૫૦૦ થી ઉપર ગયું છે.