મુંબઈના મીરાં રોડમાં બોક્સ ક્રિકેટ રમતી વખતે યુવાનનું મોત થયું

મુંબઈના મીરા રોડમાં ક્રિકેટ રમતા એક યુવનું મોત નિપજ્યું. મીરા રોડ પર કાશ્મીર વિસ્તારમાં એક મેદાનમાં બોક્સ ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું હતું. કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં જોવા મળે છે કે યુવક બોલ વાગ્યા બાદ અચાનક પડી જાય છે. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. કાશીગાંવ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મેચ એક કંપની દ્વારા આયોજિત સ્પર્ધાનો ભાગ હતો. કંપનીના યુવાનો એકબીજા સામે ક્રિકેટ રમતા હતા.

વીડિયોમાં દેખાય છે કે યુવાન બેટિંગ કરી રહ્યા છે અને બોલરાના બોલ પર છગ્ગો માર્યા બાદ યુવાન અચાનક ઢળી પડે છે. યુવાનના અચાનક પડી જવાથી બોક્સ ક્રિકેટમાં હાજર તમામ ખેલાડીઓ ભેગા થઈ જાય છે. બાદમાં લોકો યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં તેને તબીબ દ્વારા મૃત ઘોષિત કરવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૨૪માં મુંબઈમાં પણ ક્રિકેટ મેચ દરમિયાન મોતના સમાચાર આવ્યા હતા. માટુંગામાં ક્રિકેટ મેચ દરમિયાન માથા પર બોલ વાગવાથી ૫૨ વર્ષીય વેપારીનું મોત થયું હતું. આ મેચ માટુંગા જીમખાના દાડકર મેદાનમાં યોજાઈ હતી.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં વધુ એક ક્રિકેટ મેચ દરમિયાન મોતનો મામલો સામે આવ્યો હતો. આ કિસ્સામાં, પૂણેમાં મિત્રો સાથે ક્રિકેટ રમતી વખતે બોલ વાગવાથી ૧૧ વર્ષના બાળકનું મોત થયું હતું. બોલ તેના ગુપ્તાંગમાં વાગ્યો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી આ ઘટનામાં બાળક બોલ વાગવાથી બેભાન થઈ જતું જોવા મળે છે. તેના મિત્રો તેને મદદ કરવા માટે તેની પાસે જાય છે અને તેને ચેતનામાં લાવવાનો પ્રયાસ કરે છે. બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાઓ રમત દરમિયાન સલામતીના મહત્વને રેખાંક્તિ કરે છે. રમતગમત કરતી વખતે સાવચેત રહેવું અને સલામતી સાધનોનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ રમતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.