મુંબઈના વિક્રોલી પશ્ર્ચિમમાં ટાટા પાવર હાઉસની નજીકના કૈલાશ બિઝનેસ પાર્કમાં સ્લેબ તૂટી પડવાની ઘટનાનામાં અનેક લોકો ઘાયલ થયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૧૦ વર્ષના બાળક અને ૩૮ વર્ષના એક વ્યક્તિ સહિત બે લોકોના મોત થયા છે.
આ ઘટના ગઈકાલે રાત્રે મુંબઈના વિક્રોલીમાં બની હતી જ્યારે એક ૧૦ વર્ષનો છોકરો તેના સિક્યુરિટી ગાર્ડ પિતાને ખાવાનું આપવા ગયો હતો અને ભારે વરસાદને કારણે બાળક તેના પિતા સાથે હતો. આ દરમિયાન નિર્માણાધીન ઈમારત (જી ૫)નો એક ભાગ પિતા-પુત્ર પર પડ્યો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મૃતકોની ઓળખ નાગેશ રેડ્ડી (૩૮) અને રોહિત રેડ્ડી (૧૦) તરીકે થઈ છે. વિક્રોલી બિઝનેસ પાર્કમાં સ્લેબ પડવાની ઘટના બાદ મુંબઈમાં હાલ શાંતિ છે. આ સમયે વરસાદ પણ થંભી ગયો છે. વરસાદના કારણે શહેરમાં હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા નથી.
તમને જણાવી દઈએ કે, ૩૧ મે, ૨૦૨૪ના રોજ વિક્રોલીના કન્નમ્વર નગરમાં સ્લેબ ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા હતા. બીજા માળનો સ્લેબ પહેલા માળે પડતાં આ ઘટના બની હતી. આ ઈમારત ખૂબ જ જૂની હતી અને તેની ખરાબ હાલતને કારણે ઘણા પરિવારો તેમના ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે કેટલાક લોકો તેમના લેટ ખાલી કરવાની યોજના બનાવી રહ્યા હતા.
ભારતમાં અત્યારે અનેક સ્થાનો પર ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈમાં સોમવારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.આઇએમડી અનુસાર, આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈ સહિત રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, ઔરંગાબાદ, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આઇએમડીએ પણ વરસાદની સંભાવનાને યાનમાં રાખીને લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે.