મુંબઈમાં પરવાનગી વગર હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, કંપની વિરુદ્ધ એફઆઇઆર, મૃત્યુઆંક વધીને ૧૪ થયો

મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થયા બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. જ્યારે 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે 40×40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેનું કદ 120×120 ચોરસ ફૂટ હતું.

મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જોવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક 120 ફૂટ બાય 120 ફૂટનું વિશાળ હોર્ડિંગ તેનાં ગર્ડર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતાં વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંચ નીચે આશરો લેનારા 100થી વધુ લોકો દટાયા હતા. જેમા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાં છે જ્યારે અન્ય 43 લોકોને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. 

આશરે એક કલાકના ડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શહેરમાં બીજાં પણ અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ‘અત્યાર સુધીમાં 78 લોકોને હોર્ડિંગની નીચેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.’