મુંબઇ,
ઓરીના કારણે મુંબઈમાં હલચલ મચી ગઈ છે. અહીં આ બીમારીના કારણે આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. આ સાથે જ આ રોગથી મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે. તેના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે બુધવારે એક એડવાઈઝરી જારી કરી હતી. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તે ખાસ કરીને બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કેસોની વધતી સંખ્યાને લઈને ચિંતિત છે. આ માટે રાજ્યોને સલાહ આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈમાં ઓરીના ૧૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે આ વર્ષે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨૩૩ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ બીમારી મુંબઈમાં તબાહી મચાવી રહી છે. ભિવંડીના આઠ મહિનાના બાળકનું મંગળવારે સાંજે મુંબઈની એક હોસ્પિટલમાં મોત થયું હતું. સરકારી નિવેદન અનુસાર, ૨૦ નવેમ્બરના રોજ બાળકના આખા શરીર પર ફોલ્લીઓ થઈ ગઈ હતી અને તેને મંગળવારે સાંજે મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કલાકોમાં તેનું મૃત્યુ થયું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું કે તે ખાસ કરીને બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા કેસોને લઈને ચિંતિત છે. આ માટે રાજ્યોને સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાંચી, અમદાવાદ અને મલપ્પુરમમાં બાળકોમાં ઓરીના કેસોની સંખ્યામાં વધારાનું મૂલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે ઉચ્ચસ્તરીય ટીમો તૈનાત કરી છે.
આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટીમો ઓરીના કેસોના વધતા જતા વલણની તપાસ કરશે. નિવેદન અનુસાર, આ ટીમો રાજ્યના આરોગ્ય અધિકારીઓને રોગ સાથે વ્યવહાર કરવામાં મદદ કરશે. આ ત્રણ શહેરોમાં બાળકોમાં ઓરીના કેસમાં વધારો નોંધાયો છે. મુંબઈમાં, નાગરિક અધિકારીઓએ છેલ્લા ૨૪ કલાકમાં ૩.૦૪ લાખથી વધુ ઘરોની તપાસ કરી કારણ કે ડેટા દર્શાવે છે કે રોગ વોર્ડમાં ફેલાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન ડૉ તાનાજી સાવંતે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ, મ્યુનિસિપલ અધિકારીઓ અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. ઓરી એ ખૂબ જ ચેપી રોગ છે, જે ખાસ કરીને નાના બાળકો અને નવજાત શિશુઓ માટે ખતરનાક બની શકે છે. તે ઈબોલા, લૂ કે કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષે આ અંગે ચેતવણી આપી હતી. સંસ્થા અને યુનિસેફના ડેટા દર્શાવે છે કે ૨૦૨૧ની સરખામણીમાં આ વર્ષના પ્રથમ બે મહિનામાં કેસોમાં ૭૯ ટકાનો વધારો થયો છે.