મુંબઇ, મુંબઇમાં ૨૦૨૨માં હાર્ટ એટેકથી દરરોજ લગભગ ૨૬ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે કેન્સરને કારણે દરરોજ ૨૫ દરદીઓ મૃત્યુ પામ્યાં હતાં.આ માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન(આર.ટી.આઇ.) એક્ટ અંતર્ગત થયેલી એક અરજીના જવાબમાં મહાનગરપાલિકા દ્વારા મળી છે. એવી માહિતી પણ મળી છે કે મુંબઇમાં કોવિડની અસરથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ ઓછું થયું છે. જોકે કોવિડને કારણે ૨૦૨૦માં ૧૦,૨૮૯ અને ૨૦૨૨માં ૧૧,૧૦૫ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારી ડો. મંગલા ગોમારેએ એવી માહિતી આપી હતી કે ટયુબરક્યુલોસીસ(ટીબી)ને કારણે પણ મુંબઇમાં ઘણાં દરદીઓનાં મૃત્યુ થયાં હોવાની વિગતો જાણવા મળે છે. જોકે આ મૃત્યુ દર તબક્કાવાર ઘટી પણ રહ્યો છે. ૨૦૧૮માં ૪,૯૪૦ દરદીઓ ટીબીને કારણે મૃત્યુ પામ્યાં હતાં જ્યારે ૨૦૨૨માં આ સંખ્યા ઘટીને ૩,૨૮૧ થઇ હતી. હાલ મુંબઇ સહિત ભારતભરમાં ટીબીની ઉત્તમ સારવાર થાય છે. આવી આધુનિક તબીબી સુવિધાથી આજથી ૧૦ વરસ પહેલાં ટીબીને કારણે જેટલાં મૃત્યુ થતાં હતાં તેની સરખામણીએ આજે ટીબીથી ઓછાં દરદીઓ મૃત્યુ પામે છે.
કે.ઇ.એમ. હોસ્પિટલના કાર્ડીઓલોજી વિભાગનાં પ્રોફેસર એમિરેટસ ડો. પ્રફુલ્લા કેરકરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યુ હતું કે આજે મુંબઇ સહિત સમગ્ર વિશ્ર્વમાં યુવાન પેઢી હાર્ટ એટેકનો વધુ ભોગ બની રહી છે. આજની યુવાન પેઢીની જીવનશૈલી શિસ્તબદ્ધ નહીં હોવાથી ઘણી શારીરિક-માનસિક સમસ્યા સર્જાય છે. ઓછું ચાલવું, આરોગ્યપ્રદ આહારનો અભાવ, અપૂરતી નિદ્રા, ધૂમ્રપાન વગેરે બાબતોથી હૃદય રોગનું જોખમ રહે છે.