મુંબઈમાં અમિત શાહની બેઠક, મહારાષ્ટ્રની બેઠક વહેંચણી પર અંતિમ નિર્ણય આવી શકે છે

મુંબઇ, મહારાષ્ટ્રમાં આગામી લોક્સભા ચૂંટણીને લઈ ભાજપ તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપે લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્ર રાજ્ય અંગે કોઈ ખુલાસો થયો નથી.

એવામાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે એટલે કે ૫ માર્ચના રોજ મુંબઈમાં બેઠક કરશે. આ સ્થિતિમાં બધાને એ જ સવાલ ઉભો થાય છે કે શું આ બેઠકમાંઅમિત શાહ મહાગઠબંધનનીસીટ વહેંચણીની સમસ્યાનું ચિત્ર સ્પષ્ટ કરશે?

મળતી માહિતી અનુસાર ૫ માર્ચના રોજ આયોજિત આ બેઠકમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેસહિત નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં હવે પુરી શક્યતા છે કે લોક્સભા ચૂંટણી માટે મહારાષ્ટ્રના ઉમેદવારી પર અંતિમ નિર્ણય થાય. જોવું એ રહેશે કે અમિત શાહ કોને કેટલી બેઠક સોંપે છે.

નોંધનીય છે કે હાલમાં શિંદે જુથ અને અજિત પવાર જુથ દ્વારા અલગ અલગ સીટો પર દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે હવે સંભાવના છે કે અમિત શાહ કાલે મહાગઠબંધનની સીટ વહેંચણી પર અંતિમ નિર્ણય લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથીલોક્સભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ઘણા વર્તમાન સાંસદો અને મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ ઘણા નવા ચહેરાઓ પર દાવ રમ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીએ આ ચૂંટણીઓમાં પાર્ટીની ૩૭૦થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ યાદી બનાવવામાં આવી છે.

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના ૫૧, મધ્યપ્રદેશના ૨૪, ગુજરાતના ૧૫, રાજસ્થાનના ૧૫, કર્ણાટકના ૧૨, તેલંગાણાના ૦૯, આસામના ૧૧, ઝારખંડના ૧૧, છત્તીસગઢના ૧૧, દિલ્હીના ૫, જમ્મુ અને કાશ્મીરના ૫, ઉત્તરાખંડમાંથી ૨, અરુણાચલ પ્રદેશમાંથી ૨, ગોવામાંથી ૧, ત્રિપુરામાંથી ૧, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી ૧ અને દમણ અને દિવમાંથી ૧ એમ ૧૯૫ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.