મુંબઈ,
મુંબઈમાંથી લિવ-ઈન-રિલેશનમાં હત્યાનો દિલ્હી જેવો કેસ સામે આવ્યો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ૬૨ વર્ષીય પ્રેમીએ પોતાની ૫૪ વર્ષીય પ્રેમિકા પર એસિડ નાખીને તેની હત્યા કરી નાખી છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ કપલ ૨૫ વર્ષથી લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતું હતું. પોલીસે ગુરૂવારના રોજ કહ્યું હતું કે મુંબઈના ગિરગાંવમાં પોતાના લિવ-ઈન પાર્ટનર દ્વારા એસિડથી હુમલો કર્યાના બે સપ્તાહ બાદ ૫૪ વર્ષીય મહિલાનું દાઝી જવાથી મૃત્યું થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તે ૫૦ ટકા દાઝી ચૂકી હતી. આશરે ૧૫ દિવસ અગાઉ જાન્યુઆરીમાં ૬૨ વર્ષીય મહેશ પુજારીએ પોતાની ૫૪ વર્ષીય લિવ-ઈન-પાર્ટનર પર કથિત રીતે એસિડથી હુમલો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને ત્યારબાદ આરોપી મહેશે એસિડથી હુમલો કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે બંને છેલ્લા ૨૫ વર્ષોથી લિવ-ઈન રિલેશનમાં હતા પરંતુ હાલના દિવસોમાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યાં સુધી કે મહિલા પણ મહેશને ઘર છોડીને જવાનું દબાણ કરતી હતી જેથી તેને પોતાના ઘરની બહાર રહેવાની ફરજ પડી હતી. પોલીસે કહ્યું હતું કે તેના કારણે જ મહેશે મહિલા પર એસિડથી હુમલો કર્યો હતો. પોલીસે ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે, ગત મહિને એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા મહેશની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે હત્યાના આરોપમાં ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨ ઉમેરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ દિલ્હીના મેહરોલી વિસ્તારમાં આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરી દીધી હતી.