મુંબઈ : બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ઘણા વખતથી બિશ્નોઈ ગૅન્ગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ પનવેલ ખાતે આવેલા સલમાન ખાનના ફાર્મહાઉસમાં બે લોકોએ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાર્મહાઉસની સિક્યૉરિટીએ તેમને પકડીને પનવેલ પોલીસને સોંપ્યા હતા. બન્નેની વધુ તપાસ કરતાં તેમની પાસેથી બોગસ આધાર કાર્ડ સહિત બીજા બોગસ ડૉક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકો પંજાબના હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે પનવેલ પોલીસે બન્ને સામે ફરિયાદ નોંધી, તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પનવેલના વાજેગાંવ વિસ્તારમાં સલીમ ખાનની માલિકીના અર્પિતા ફાર્મહાઉસના ૨૭ વર્ષના મૅનેજર શશિકાંત શર્માએ કરેલી ફરિયાદ અનુસાર શુક્રવારે સાંજે તે અર્પિતા ફાર્મહાઉસમાં કામ કરી રહ્યો હતો ત્યારે મુખ્ય ગેટ પર તહેનાત સિક્યૉરિટી ગાર્ડ મોહમ્મદ હુસૈને તેનો સંપર્ક કરીને તરત જ મુખ્ય ગેટ પર આવવા કહ્યું હતું. તે ફાર્મહાઉસના મેઇન ગેટ પર જતાં ત્યાં બે જણ સિક્યૉરિટી ગાર્ડ મોહમ્મદ હુસૈન સાથે ઊભા હતા. આ બન્ને જણે પરવાનગી વગર અર્પિતા ફાર્મહાઉસના મુખ્ય ગેટની ડાબી બાજુના વાયર અને ઝાડના કમ્પાઉન્ડમાંથી ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે એમાંના એક જણે મહેશકુમાર રામનિવાસ અને બીજાએ વિનોદકુમાર રાધેશ્યામ હોવાનું અને તેઓ ઉત્તર પ્રદેશના હોવાનું કહ્યું હતું. તેમને ફાર્મહાઉસમાં આવવાનું કારણ પૂછતાં સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ તરત આ ઘટનાની જાણ પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પર આ બે જણની પૂછપરછ કરવામાં આવતાં તેમનાં નામ અજેશકુમાર ઓમપ્રકાશ ગીલા (૨૩ વર્ષ) અને ગુરુસેવક સિંહ તેજ સિંહ સિખ (૨૩ વર્ષ) હોવાનું અને બન્ને પંજાબના ફઝિલ્કા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી તેમનો મોબાઇલ ફોન ચેક કરતાં જાણવા મળ્યું હતું કે મહેશકુમાર રામનિવાસ અને અજેશકુમાર ગીલા પાસે એક જ વ્યક્તિના ફોટો સાથેનું આધાર કાર્ડ હતું અને વિનોદકુમાર રાધેશ્યામ અને ગુરુસેવક સિંહ તેજ સિંહ સિખના આધાર કાર્ડ પર એક જ વ્યક્તિનો ફોટો હતો. પોલીસે આ વિશે પૂછપરછ કરી તો તેણે સ્વીકાર્યું કે બન્ને આધાર કાર્ડ પરના ફોટો તેના જ છે અને તેણે મુખ્ય આધાર કાર્ડને એડિટ કર્યું છે. અંતે બન્ને સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ માટે તાબામાં લેવામાં આવ્યા હતા.
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને આરોપીને અમે તાબામાં લીધા છે અને તેમની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેઓ મુંબઈ ફરવા માટે આવ્યા હતા.’
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્નેની તપાસ કરવા માટે અમે બે ટીમ તૈયાર કરી છે. આ લોકો બોરીવલીની એક લૉજમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે એવી માહિતી આપી હતી કે માત્ર હોટેલમાં ઉતારો કરવા માટે તેમણે ફોટોને એડિટ કર્યો હતો. આ માહિતી અમારા ગળે ઊતરતી નથી એટલે તેમની વધુ માહિતી કાઢવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો પંજાબ પોલીસની પણ મદદ લેવામાં આવશે.’