મુંબઈ બાદ અમદાવાદની સેશન્સ કોર્ટે કાપડના વેપારી પંકજ ખત્રીના જામીન ના મંજૂર કર્યા

અમદાવાદ, અમદાવાદની સેશન્સ કોર્ટે કાપડના વેપારી પંકજ ખત્રીના જામીન ના મંજૂર કર્યા. અગાઉ આ વર્ષના જાન્યુઆરી મહિનાના અંતમાં મુંબઈની કોર્ટે પણ કૌભાંડી પંકજ ખત્રીના જામીન ના મંજૂર કર્યા હતા. કાપડના વેપારી પંકજ ખત્રીએ રાજ્યના અનેક વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનું કાપડ ખરીદીને છેતરપિંડી કરી હતી. વેપારીઓ સાથે છેતરપીંડી કરવા બદલ ક્રાઈમ બ્રાન્ચે ઠગ પંકજ ખત્રી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

કૌભાંડી પંકજ ખત્રીએ કાપડના વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી વેપારીઓ સાથે છેતરપીંડી કરી હતી. આ મામલે વેપારીઓ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઠગ પંકજ ખત્રીની અટકાયત કરતા આરોપીએ જામીન માટે અરજી કરી હતી. પરંતુ અમદાવાદની સેશન્સ કોર્ટે કૌંભાડી પંકજ ખત્રીના રેગ્યુલર જામીન ના મંજુર કર્યા. આરોપી અવાર-નવાર ઠગાઇ કરતો હોવાની ટેવ ધરાવતો હોવાનું કોર્ટના યાનમાં આવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમ્યાન તમામ બાબતોનુ અવલોકન કરતા આ નિર્ણય લીધો. કોર્ટના આ નિર્ણયથી ભોગ બનનાર વેપારીઓને આખરે ન્યાય મળશે તેવી આશા જાગી છે.

કાપડનો વેપારી પંકજ ખત્રીએ ગતવર્ષે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં દક્ષ ટ્રેડર્સના પ્રોપરાઈટર હંશુ હસરાજાની પાસેથી મે, જૂન અને જુલાઈ મહિનામાં થોડા-થોડા કરી કુલ ૫૫ લાખનો માલ ખરીદ્યો હતો. માલની ખરીદી બાદ કૌભાંડી પંકજે પૈસા આપવામાં બહાના બતાવા લાગ્યા. દક્ષ ટ્રેડર્સના હંશુ હસરાજાનીએ આ બાબતે વધુ તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે પંકજે આ રીતે અનેક વેપારીઓ પાસેથી માલની ખરીદી કર્યા બાદ પૈસા પાછા આપ્યા નથી. કરોડોના રૂપિયાના કાપડની ખરીદી કરી પૈસા પાછા નહી આપવાના કૌભાંડમાં પંકજ ખત્રની સાથે નિલમ નામની મહિલા અને તેમનો પુત્ર ઉત્તમ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર પછી વેપારીઓએ સંયુક્તપણે પંકજ ખત્રી વિરુદ્ધ ફરીયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પંકજ ખત્રની અટકાયત કરી.

પોલીસે ધરપકડ કરતા આરોપી પંકજ ખત્રીએ જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટના યાનમાં આવ્યું છે કે આરોપી પંકજે આ રીતે વેપારીઓ પાસેથી માલ લઈ અનેક લોકોને છેતર્યા છે, આરોપી છેતરપિંડી કરવાની માનસિક્તા ધરાવે છે અને તેના વિરુદ્ધ કોલ્હાપુર, મુંબઈ સહિતના સ્થાનો પર ૧૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. કોર્ટે આ તમામ પાસાને યાનમાં રાખી કૌભાંડી પંકજ ખત્રીની જામીન અરજી નામંજૂર કરી.