
વોશિગ્ટન,
અમેરિકા સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ અને ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપ વચ્ચે ચાલી રહેલા વિવાદથી ભારતીય બેંકિંગ સિસ્ટમ અને ધિરાણર્ક્તાઓ પરના જોખમો વિશે વાત કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે બધું બરાબર છે.
એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં દેશના નાણામંત્રીએ કહ્યું કે એસબીઆઇ અને એલઆઇસી એ સ્પષ્ટ કર્યું છે કે બંને ઓવર એક્સપોઝ નથી. એફએમ સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમનું એક્સપોઝર (અદાણી જૂથના શેર્સમાં) મર્યાદિત છે અને મૂલ્યાંકન ઘટવા છતાં પણ તેઓ નફાકારક છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય બેંકિંગ સિસ્ટમ ૨ બેલેન્સ શીટની સમસ્યામાંથી પસાર થઈ છે અને આજે એનપીએના નીચા સ્તર, વસૂલાત અને રિકવરી સાથે સારા સ્તરે છે. રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસરૂપે, દેશની સૌથી મોટી ધિરાણર્ક્તા એસબીઆઇએ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનું તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ પેદા કરતી અસ્કયામતો દ્વારા આવરી લેવામાં આવ્યું છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બીજી બેંક, બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, મુશ્કેલીગ્રસ્ત જૂથમાં તેનું કુલ રોકાણ રૂ. ૭,૦૦૦ કરોડ છે, જે સંપૂર્ણપણે સલામત છે.
એલઆઇસીએ અદાણી ગ્રૂપના ડેટ અને ઇક્વિટીમાં રૂ. ૩૬,૪૭૪.૭૮ કરોડનું રોકાણ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રકમ તેના કુલ રોકાણના ૧ ટકા કરતાં પણ ઓછી છે. હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે, અદાણી ગ્રૂપની ૭ લિસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી વધુ માર્કેટ કેપ ગુમાવી છે, જે ઘટીને ઇં૧૦૦ બિલિયનથી પણ ઓછી થઈ ગઈ છે.
હિંડનબર્ગના અહેવાલથી માત્ર ગૌતમ અદાણીની નેટવર્થ અને તેમની કંપનીઓને જ નહીં, પરંતુ શેરબજારના રોકાણકારોને પણ નુક્સાન થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો ૩૦ જાન્યુઆરીના રોજથી છેલ્લા ૩ ટ્રેડિંગ દિવસોમાં શેરબજારની માર્કેટ કેપ એટલે કે રોકાણકારોએ લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. બીજી તરફ ગૌતમ અદાણીની કંપનીઓના ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.