મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને શપથ લીધા

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. ૧૪ વર્ષ વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે. આ સીટ પર લેબર પાર્ટીનું ૩૭ વર્ષનું વર્ચસ્વ વસ્ત થયું. તેઓ ભારતીય મૂળના રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડ્યા હતા. શિવાની રાજાએ બ્રિટનની સંસદમાં હાથમાં ગીતા પકડીને શપથ લીધા છે.

બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે લીસેસ્ટર ઈસ્ટના પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવી એ સન્માનની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે પોતાની નિષ્ઠાની શપથ લેવા પર વાસ્તવમાં ગર્વ છે. શિવાનીની જીત લીસેસ્ટર સીટીના હાલના ઈતિહાસને જોતા ખુબ મહત્વની છે. કારણ કે અહીં ૨૦૨૨માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટી૨૦ એશિયા કપ મેચ બાદ ભારતીય હિન્દુ સમુદાય અને મુસલમાનો વચ્ચે સંઘર્ષ થયો હતો. શિવાની વિશે વાત કરીએ તો શિવાની રાજાનો પરિવાર મૂળ દીવનો છે.

શિવાની રાજાએ ચૂંટણીમાં ૧૪૫૨૬ મત મેળવ્યા. તેમણે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા. જેમને ૧૦૧૦૦ મત મળ્યા હતા. આ જીત એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે લીસેસ્ટર ઈસ્ટ ૧૯૮૭થી લેબર પાર્ટીનો ગઢ રહ્યો છે. શિવાનીની જીતે ૩૭ વર્ષમાં પહેલીવાર આ મતવિસ્તારમાં એક ટોરીને સીટ અપાવી છે.

શિવાની રાજા ઉપરાંત યુકેમાં ૪ જુલાઈએ થયેલી સામાન્ય ચૂંટણીમાં ૨૭ અન્ય ભારતીય મૂળના સાંસદ હાઉસ ઓફ કોમન્સ માટે ચૂંટાઈ આવ્યા છે. આ બધા વચ્ચે બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટીના સત્તામાં આવ્યા બાદ સેંકડો નવા ચૂંટાયેલા સાંસદો ઉત્સાહપૂર્વક સંસદ પહોંચ્યા. નવા હાઉસ ઓફ કોમેન્સમાં અત્યાર સુધીમાં ચૂંટાઈ આવેલી મહિલાઓની સંખ્યા સૌથી વધુ ૨૬૩ છે. જે કુલ સંખ્યાના લગભગ ૪૦ ટકા છે જેમાંથી સૌથી વધુ ૯૦ અશ્ર્વેત સાંસદ છે.

અત્રે જણાવવાનું કે કીર સ્ટાર્મર બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે બ્રિટનના પુર્નનિર્માણ માટેનો સંકલ્પ લીધો છે. લેબર પાર્ટીએ ૬૫૦ સભ્યોવાળા હાઉસ ઓફ કોમન્સમાં ૪૧૨ સીટો મેળવી છે. જે ૨૦૧૯ની ચૂંટણી કરતા ૨૧૧ સીટ વધુ છે. જ્યારે ૠષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીએ ગત ચૂંટણી કરતા ૨૫૦ સીટો ઓછી એટલે કે ૧૨૧ સીટો જ મેળવી છે. લેબર પાર્ટીનો વોટશેર ૩૩.૭ ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો વોટ શેર ૨૩.૭ ટકા હતો.